ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
WHOની વિશ્વ તમાકુ નિષેધ દિવસ-2025 અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની વિવિધ માધ્યમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી
આ ઉજવણીમાં જિલ્લા કક્ષાએ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત ખાતે તમામ અધિકારી/કર્મચારી તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી કેન્સર નિષ્ણાત ડોક્ટર દ્વારા પ્રેઝેન્ટેશન વડે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા દરેક અધિકારી/કર્મચારીઓએ વ્યસનમુક્તિનાં શપથ લીધા હતા. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોરબી સીટી વિસ્તારમાં કોટપા-2003 એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ યોજી કુલ 26 કેસ કરીને કુલ રૂ. 5200/- જેટલા દંડની વસુલાત કરવામાં આવી હતી. ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/શહેરી આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર કક્ષાએ કુલ 4304 લોકો પાસેથી વ્યસનમુકિત અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને 1003 લોકોને જૂથ ચર્ચા દ્વારા તમાકુના વ્યસનથી થતા નુકસાન અને તેનાથી બચવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી થકી લોકોને તમાકુ મુક્ત/વ્યસન મુક્ત બનાવવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ તકે મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ દ્વારા જાહેર જનતાને વ્યસનમુક્ત રહીને સ્વસ્થ જીવન ગાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.