મનપાની સ્થાપનાના એક વર્ષ પૂર્ણ: કમિશ્નર સહિતના અધિકારીઓએ કર્યું વૃક્ષારોપણ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબી મહાનગરપાલિકાની સ્થાપનાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતા આજે ’મોરબી કોર્પોરેશન ડે’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ અવસરને પર્યાવરણ લક્ષી બનાવવા માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ’વૃક્ષારોપણ દિવસ’ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારો અને સરકારી ઈમારતોમાં હરિયાળી વધારવાનો સંકલ્પ લેવાયો હતો.
આ ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાની મુખ્ય બિલ્ડીંગ (મુખ્ય કચેરી) તેમજ શહેરની વિવિધ ક્લસ્ટર ઓફિસોના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન સમગ્ર શહેરમાં અંદાજે 550થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા પ્રદૂષણને નિયંત્રિત કરવાનો અને શહેરની આબોહવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી પર્યાવરણને શુદ્ધ બનાવવાનો છે.
વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નીલ ખરે, નાયબ કમિશ્નર કુલદીપસિંહ વાળા તેમજ કોર્પોરેશનના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. મહાનગરપાલિકા દ્વારા આ ઉજવણીના માધ્યમથી નાગરિકોને પણ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો. આગામી સમયમાં આ વૃક્ષોના જતન માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.



