કાલે મહારાષ્ટ્ર-કર્ણાટકના સાગર કાંઠે ભારે વરસાદની આગાહી: દિલ્હી, જયપુરમાં આંધી: રાજસ્થાનમાં કરા પડવા, વીજળી ત્રાટકવાની ચેતવણી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
- Advertisement -
દેશમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમ્યાન પૂર્વ ભારત, ઉતરપ્રદેશ, ઉતર મધ્યના ઘણા ભાગોમાં લુ વરસશે અને આજે ઉતર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ પણ થઇ શકે છે. આ દરમ્યાન આવતા સપ્તાહે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ નિશ્ચિત બન્યું છે. સતત 40 ડિગ્રીથી વધુ તાપમાનમાં ધગધગતા ઉતર ભારતને હવે જલ્દી રાહત મળે તેમ છે. 25 જુન સુધીમાં ઉતર ભારતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ શરૂ થઇ જશે. આ વખતે ચોમાસુ સમયસર ચાલી રહ્યું છે. હાલ દક્ષિણ અને પૂર્વોતર ભારત પસાર કરીને ચોમાસુ વરસાદ દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચી રહ્યો છે. આગામી સપ્તાહ સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં વરસાદ શરૂ થઇ જશે.
હાલ આગામી પાંચ દિવસ સુધી ઉતરના ઘણા ભાગોમાં લુ વરસશે. ઉતરપ્રદેશમાં તા.8 સુધી લુ વરસી શકે છે. તો આઠ જુને મહારાષ્ટ્રને કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ છે. મૌસમ વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી સહિત એનસીઆરમાં હળવા વરસાદ સાથે વાવાઝોડુ, ગાજવીજ દેખાશે. દિલ્હી, એનસીઆરમાં વરસાદની આગાહી વચ્ચે અનેક રાજયોમાં વરસાદ અને વિજળી ગાજવાનું એલર્ટ આઇએમડીએ આપ્યું છે. જેમાં મહારાષ્ટ્ર, બંગાળ અને રાજસ્થાનના ઘણા ભાગોનો સમાવેશ થાય છે. તો પૂર્વ અને પશ્ચિમ યુપી, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં હિટવેવ વરસવાનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ સિવાયના ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી અને જયપુરમાં ગઇકાલે રાત્રે વાવાઝોડુ ફુંકાયું હતું. હવે તાપમાન ઘટે તેમ છે. વિભાગે રાજસ્થાનમાં તા.9 સુધી આંધી, તુફાનનું એલર્ટ જાહેર કર્યુ છે. જયપુર, અજમેર, કોટા, ભરતપુરમાં ઘણી જગ્યાએ કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે.