ખાસ-ખબર સંવાદદાતા
મે મહિનાના અંતિમ ભાગમાં કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસી ગયા પછી તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી ત્રણ દિવસમાં એ ગુજરાતમાં એન્ટ્રી કરે એવી ભારોભાર શકયતા હોવાનું ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના સત્તાવાર સાધનો જણાવી રહ્યા છે.આઇએમડી દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર બુલેટિનમાં જણાવાયા મુજબ નૈઋત્યનું ચોમાસું આગળ વધવા માટે પૂરતા સાનુકૂળ સંજોગો છે. અરબી સમુદ્રના જે ભાગમાં હજુ ચોમાસું પહોંચ્યું નથી તેવા વિસ્તારમાં અને ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન નૈઋત્યનું ચોમાસું એન્ટ્રી લે એવી શક્યતા છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાત ઉપરાંત મરાઠાવાડ તેલંગાણા આંધ્ર પ્રદેશ બંગાળની ખાડી પશ્ચિમ બંગાળ ઓડિશા ઝારખંડ અને બિહારમાં જે ભાગમાં હજુ ચોમાસું શરું થયું નથી ત્યાં આગામી ત્રણ દિવસમાં નૈઋત્યનું ચોમાસુ પહોંચી જશે.
અરબી સમુદ્રમાં ઓફશોર ટ્રફ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી કેરળ સુધીના દરિયામાં અને મધ્ય મહારાષ્ટ્રના ઉત્તર તરફના હિસ્સાથી અરબી સમુદ્રના મધ્ય વિસ્તારમાં પણ ટ્રફ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
ત્રણ દિવસ સુધી બપોર બાદ ઝાપટાંથી લઇને ત્રણ ઈંચ વરસાદ થવાની સંભાવના
રાજકોટમાં સતત બીજા દિવસે સવારે બફારો, બપોરે ઉનાળા જેવી ગરમી, સાંજે વરસાદ, 80 ફૂટ રોડ પર વૃક્ષ ધરાશાયી, સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 16 મીમી પડ્યો રાજકોટમાં રવિવારે સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. સવારે વાતાવરણ ચોખ્ખું હતું પણ હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે બફારો અનુભવાયો હતો. બપોરે મહત્તમ તાપમાન 38.7 રહ્યું હતું.પવનની ઝડપ 21 કિલોમીટર રહી હતી. બપોરના સમયે ઉનાળા જેવી આકરી ગરમી પડી હતી. જોકે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને 30 મિનિટમાં 16 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ 3 દિવસ હળવાથી 3 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે. આ દિવસોમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવાની સંભાવના છે.