રાજકોટમાં એક કલાકમાં અડધો ઈંચ વરસાદ, સિસ્ટમ બન્યા બાદ સાર્વત્રિક વરસાદ થશે
ખાસ-ખબર સંવાદદાતા
આજે સૌરાષ્ટ્રમાં હળવો અને છૂટોછવાયો વરસાદ પડશે. કાલથી ત્રણ દિવસ સુધી એટલે કે શનિ, રવિ અને સોમવાર વધુ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
- Advertisement -
હવામાન ખાતાના જણાવ્યા મુજબ સામાન્ય રીતે જૂન મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 57.3 મીમી વરસાદ થતો હોય છે. તેના બદલે 1થી 23 જૂન સુધીમાં 26.2 મીમી જ વરસાદ પડ્યો છે. આમ, અત્યાર સુધી 54 ટકા વરસાદની ખાધ પડી હોવાનું હવામાન વિભાગ જણાવે છે.
આજે શુક્રવારે સૌરષ્ટ્રમાં ગીર- સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે. ત્યારબાદ કાલથી ત્રણ દિવસ સુધી વધુ વરસાદ પડશે. સામાન્ય રીતે જૂન મહિનામાં આ જ પદ્ધતિથી એટલે કે હળવાથી લઇને 5 ઈંચ સુધીનો વરસાદ થતો હોય છે. જુલાઇ માસથી ચોમાસાની સિસ્ટમ મજબૂત બનતી હોવાને કારણે વરસાદનો વિસ્તાર અને વ્યાપ વધતો હોય છે. આ દિવસોમાં સાર્વત્રિક વરસાદ પડતો હોય છે.
જુલાઈ માસમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતું હોય છે. જે એમ.પી. માં સ્થિર થતું હોય છે. તેમજ અરબી સમુદ્રમાંથી સપોર્ટ મળતો હોય આ દિવસોમાં વરસાદનો વિસ્તાર અને વ્યાપ વધતો હોય છે. ફાયરબ્રિગેડના આંકડા મુજબ ગુરુવારે રાજકોટમાં સવારે 6 કલાકે વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો.