-કપાસ, સોયાબીન, ચોખા,તુવેર, અડદ જેવી ચીજોમાં વાવેતર ઓછા
બિહાર અને તેલંગાણા સિવાય દેશભરમાં ચોમાસુ સક્રિય છે અને આવતા બે-ત્રણ દિવસ સાર્વત્રીક વરસાદ થવાની આગાહી કરવામાં આવી હોવા છતાં દેશમાં ખરીફ વાવણી જોર પકડી શકતી ન હોય તેમ અત્યાર સુધીનું વાવેતર હજુ 9 ટકા ઓછુ જ રહ્યું છે. ચોખા,તુવેર, અડદ, સોયાબીન તથા કપાસનાં વાવેતરમાં ઘટાડો છે.
- Advertisement -
કેન્દ્ર સરકારનાં સતાવાર આંકડા મુજબ દેશમાં સરેરાશ 10.1 કરોડ હેકટરમાં ખરીફ વાવેતર થયુ હોય છે.તેમાંથી 3.53 કરોડ હેકટરમાં પૂર્ણ થયુ છે.જે સરેરાશ 35 ટકા થવા જાય છે. મોટા હિસ્સામાં વાવેતર બાકી હોવાના કારણોસર હવે જુલાઈ-ઓગસ્ટનો વરસાદ નિર્ણાયક સાબીત થઈ શકે છે. મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં તુવેરનું મોટુ વાવેતર થતુ હોય છે. પરંતુ કેટલાંક ભાગોમાં વરસાદની ખાધ હોવાથી વાવેતર ઓછુ છે. કર્ણાટકમાં વરસાદની ખાધ 36 ટકા તથા મહારાષ્ટ્રમાં જુદા જુદા ભાગોમાં 31 થી 43 ટકા છે.રાજયમાં અડદના વાવેતરમાં પણ મોટો ઘટાડો છે.
આ સિવાય પંજાબ, મધ્યપ્રદેશ, તથા છતીસગઢમાં અત્યાર સુધી ચોખાના વાવેતરમાં પણ સરેરાશ 24 ટકાનો ઘટાડો છે. પંજાબમાં સિંચાઈ સુવિધા ધરાવતાં વિસ્તારોમાં વાવેતર થઈ ગયુ છે.રાજયનાં કેટલાંક ભાગોમાં વધુ પડતા વરસાદને કારણે પણ વાવેતરને અસર થઈ છે. સોયાબીન-કપાસનાં વાવેતરમાં પણ મોટાભાગનાં ક્ષેત્રોમાં ઘટાડો છે.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે અનેક ભાગોમાં વાવેતર મોડુ છે. તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર જેવા ભાગોમાં વરસાદની ખાધ છે. હવે જુલાઈ-ઓગસ્ટનો વરસાદ તથા અલનીનોની ઈફેકટ પ્રભાવ પાડશે. આ દરમ્યાન અલનીનો એકટીવ થાય તો વાવેતરને અસર થઈ શકે છે. દેશમાં ચોમાસાનો ત્યાર સુધીનો સરેરાશ વરસાદ 215 મીમી થયો છે જે નોર્મલ કરતાં 3 ટકા ઓછો છે. જોકે ચોમાસું સક્રિય છે અને ભારે વરસાદની આગાહી હોવાથી આવતા થોડા દિવસોમાં ખાધ સરભર થઈ જવાની શકયતા છે.