હવે 2 દિવસ વિજળીના કડાકા-ભડાકા-આંધી સાથે ભારે વરસાદની ચેતવણી: છતીસગઢમાં પણ ચોમાસું પહોંચી ગયું
વાવાઝોડાની અસરે દસેક દિવસ સ્થગીત ચોમાસુ ફરી સક્રિય થઈ આગળ ધપવા લાગ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દેશના આર્થિક મહાનગર મુંબઈમાં છેવટે નૈઋત્ય ચોમાસાએ દસ્તક દીધી છે અને ધમાકેદાર વરસાદ થયો છે. બે દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે લાંબી પ્રક્રિયા બાદ નૈઋત્ય ચોમાસું રાયગઢ, થાણે,મુંબઈ, તથા પાલઘર તરફ આગળ વધવાના સાનુકુળ સંજોગો સર્જાયા છે.
આજે મુંબઈમાં પ્રવેશી જશે છેલ્લા ચોવીસ કલાકમાં ઝમાઝમ વરસાદ પણ પડયો હતો અને હવે 26 તથા 27 જુને પાંચ ઈંચ સુધીનો ભારે વરસાદ થયાની સંભાવનાને ધ્યાને રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ચોમાસાના પ્રવેશ સાથે બન્ને દિવસ મુંબઈ તથા પરા વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા તથા આંધી સાથે તોફાની વરસાદ થવાની પણ શકયતા હોવાથી લોકોને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ચોમાસુ સીસ્ટમ ફરી સક્રિય થઈ ગઈ હોય તેમ છતીસગઢમાં પણ ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે જયાં 48 કલાકમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
હવામાન ખાતાએ કહ્યું કે એકાદ દિવસમાં ચોમાસુ ઉતર પ્રદેશમાં પણ પહોંચી જશે.રાજયનાં 18 જીલ્લામા પ્રિ-મોન્સુન વરસાદ પડયો હતો. ગુજરાતમાં આવતા સપ્તાહમાં નૈઋત્ય ચોમાસાનો પ્રવેશ થઈ જવાની આગાહી વચ્ચે રાજયમાં પ્રિ-મોન્સુન વરસાદ શરૂ થઈ ગયો હોય તેમ આજે અમુક ભાગોમાં મુશળધાર વરસાદ ખાબકયો હતો.