શંકાસ્પદ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા :
કોરોના મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયા હવે ઝડપથી મંકીપોક્સની ઝપેટમાં આવી રહી છે. આ બીમારી ફક્ત 15 જ દિવસમાં 15 દેશોમાં ફેલાઈ ગઈ છે. શુક્રવારના રોજ બેલ્જિયમમાં મંકીપોક્સના દર્દીઓ માટે 21 દિવસનો ક્વોરેન્ટાઇન સમયગાળો ફરજીયાત કરનારો પ્રથમ દેશ બન્યો હતો. આ સાથે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ચેતવણી આપી છે કે, આ બીમારીનો એક પણ કેસ કોઈપણ દેશમાં આઉટબ્રેક માનવામાં આવશે. બીજી તરફ મંકીપોક્સ ઝડપથી ફેલાતો જોતાં ભારત પણ સતર્ક બની ગયું છે. સોમવારના રોજ મુંબઈની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કસ્તુરબા હોસ્પિટલમાં શંકાસ્પદ મંકીપોક્સના દર્દીઓ માટે 28 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે. જોકે, દેશમાં આ બીમારીનો અત્યાર સુધી એકપણ કેસ જોવા મળ્યો નથી.
- Advertisement -
અત્યાર સુધીમાં કયા દેશોમાં મંકીપોક્સ ફેલાયો છે?
યુકે, યુએસ, ઇટલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, જર્મની, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, ઈઝરાઇલ, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડમાં મંકીપોક્સના કેસ નોંધાયા છે. ફક્ત બે અઠવાડિયામાં જ કેસની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે. જોકે, આ બીમારીથી અત્યાર સુધી એક પણ મોત થયું નથી.
ભારત સરકાર લેશે પગલાં :
મંકીપોક્સને લઈને કેન્દ્ર સરકારની ચિંતા પણ વધી ગઈ છે. ઝડપથી ફેલાતાં સંક્રમણને જોતા નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે એરપોર્ટ અને બંદરોના અધિકારીઓને સૂચના આપી છે કે, મંકીપોક્સ અસરગ્રસ્ત દેશોમાં પ્રવાસ કરીને પરત ફરેલા કોઈપણ બીમાર મુસાફરને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવે અને નમૂનાને પરીક્ષણ માટે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) માં મોકલવામાં આવે.
- Advertisement -
મંકીપોક્સ શું છે, તે કેવી રીતે ફેલાય છે?
મંકીપોક્સ એ એક વાયરલ ચેપ છે, જે સૌપ્રથમ વર્ષ 1958માં પકડાયેલા વાંદરામાં મળી આવ્યો હતો. વર્ષ 1970માં તેના ચેપની પહેલીવાર મનુષ્યમાં પુષ્ટિ થઈ હતી. તેનો વાયરસ શીતળાના વાયરસના પરિવારનો સભ્ય છે. મંકીપોક્સનો ચેપ આંખો, નાક અને મોં દ્વારા ફેલાઈ શકે છે. તે દર્દીના કપડાં, વાસણ અને પલંગને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. આ ઉપરાંત વાંદરા, ઉંદર, ખિસકોલી જેવા પ્રાણીઓને કરડીને કે તેમના લોહી અને શરીરના પ્રવાહીને અડકીને પણ મંકીપોક્સ ફેલાવી શકાય છે.
મંકીપોક્સના લક્ષણો
WHO મુજબ મંકીપોક્સના લક્ષણો ચેપના 5મા દિવસથી 21મા દિવસ સુધી આવી શકે છે. પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવા છે. તેમાં તાવ, માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો, કમરનો દુખાવો, ધ્રુજારી, થાક અને સુજેલી લસિકા ગાંઠોનો સમાવેશ થાય છે. આ પછી ચહેરા પર ફોલ્લીઓ બહાર આવવા માંડે છે, જે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાય છે અને થોડા દિવસો પછી સુકાઈ જાય છે અને પછી ખરી જાય છે.
સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને વધુ જોખમ છે
WHOના જણાવ્યા પ્રમાણે મંકીપોક્સ જેવો દુર્લભ ચેપ પોતાની મેળે મટી જાય છે, પરંતુ કેટલાક લોકોમાં તે ગંભીર સાબિત થઈ શકે છે. આવા લોકોમાં નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને અત્યંત નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. તેમાં 5 વર્ષથી નાની ઉંમરના બાળકો ઝડપથી આવી જાય છે. WHO પણ ચિંતિત છે કે, જે લોકોમાં મંકીપોક્સની પુષ્ટિ થઈ રહી છે તેમાંથી મોટાભાગના લોકોનો આફ્રિકન દેશો સાથે કોઈ સંબંધ નથી. ખરેખર, આ વાયરસ મોટાભાગે મધ્ય અને પશ્ચિમ આફ્રિકન દેશોમાં જોવા મળે છે. નાઇજિરીયા, ઘાના અને ડીઆર કોંગો જેવા દેશોમાં કેસ જોવા મળે તે સામાન્ય બાબત છે.