આખરે શ્રદ્ધાળુઓની લાગણીનો વિજય
ગાંધીનગરમાં સિનિયર મંત્રીઓ સાથેની બેઠકમાં ટ્રસ્ટી બોર્ડે મોહનથાળ અને ચીકી પ્રસાદનો વિકલ્પનો અમલ
કરવા ખાતરી આપી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા સર્જાયેલા વિવાદનો અંત આવી ગયો છે અને આજે ગાંધીનગરમાં સીનીયર મંત્રી ઋષીકેશ પટેલ તથા હર્ષ સંઘવીની હાજરીમાં અંબાજી મંદિરના ટ્રસ્ટીઓની મળેલી બેઠકમાં મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવા નિર્ણય લેવાયો છે.
આ અગાઉ પરંપરાગત રીતે અપાતા મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદે રાજયભરમાં વિરોધ થયો હતો અને સરકાર માટે પણ દરમ્યાનગીરી કરવાનો સમય આવી ગયો હતો.
આંદોલન રાજયભરમાં વિસ્તરે તે પુર્વે આજે એક તાકીદની બેઠકમાં અંબાજી મંદિરના ટ્રસ્ટીઓ અને મહંતો પાટનગરમાં બે સીનીયર મંત્રીઓ સાથે મળ્યા હતા અને ચર્ચા બાદ મોહનથાળનો પ્રસાદ યથાવત રખાશે તેવી જાહેરાત કેબીનેટ પ્રવકતા મંત્રી શ્રી ઋષીકેશ પટેલે કરી છે.
તેઓએ જણાવ્યું કે, આ પ્રસાદ દેશ-વિદેશમાં લાંબા અંતર સુધી મોકલવાનો હોવાથી તેની ગુણવતા સાથે પ્રશ્ર્નો ઉભો થતો હોય ચીકી પ્રસાદનો નિર્ણય લેવાયો હતો પરંતુ લોકોની આસ્થા સાથે આ મુદો જોડાયેલો હોવાથી મોહનથાળનો પ્રસાદ યથાવત રાખવા નિર્ણય લેવાયો છે. સાથોસાથ ચીકીના પ્રસાદનો વિકલ્પ પણ ચાલુ રહેશે.
પાવાગઢ મંદિર વિવાદમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ
ગુજરાતમાં પ્રખ્યાત તીર્થધામોમાં વિવાદ સર્જાઇ રહ્યા છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટે એક નિર્ણયમાં મંદિરમાં છોલેલુ નાળીયેર લઇ જવા પર પ્રતિબંધ મુકયો છે અને જો વેપારીઓ છોલેલુ નાળીયેર વેંચશે તો તેને દંડ કરવામાં આવશે. ટ્રસ્ટીઓએ જણાવ્યું કે ર0 માર્ચથી આ નિયમ અમલમાં આવશે. મંદિર ટેકરી પર હોવાથી શ્રીફળનો છોલ નીચે ઉતારવો મુશ્કેલ બને છે અને તેના માટે મોટો ખર્ચ આવે છે. શ્રધ્ધાળુઓ માતાજીને આખુ શ્રીફળ અર્પણ કરી શકશે. જયારે મંદિરમાં શ્રીફળ ધરીને ચૂંદડી સાથે ઘરે લઇ જવાનું રહેશે પણ વધેરી શકાશે નહી. વેપારીઓને પણ આ અંગે તાકીદ કરવામાં આવી છે.