વિશ્ર્વમાં એઆઇને ભારત લીડ કરશે, વૈશ્ર્વિક પડકારોના ઉપાયો માટે સ્ટાર્ટઅપ્સે તૈયાર રહેવું જોઇએ : વડાપ્રધાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સ્ટાર્ટઅપ મહાકુંભની શરૂઆત કરી હતી, જે દરમિયાન તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કરતા કહ્યું હતું કે કેટલાક લોકો રાજકારણમાં સ્ટાર્ટઅપની શરૂઆત કરતા હોય છે પણ તેમને વારંવાર લોન્ચ કરવા પડે છે. જોકે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે એક સ્ટાર્ટઅપમાં નિષ્ફળતા મળે તો બીજામાં શરૂઆત કરતા હોય છે.
- Advertisement -
વડાપ્રધાને કહ્યું હતું કે દેશ 2047ના વિકસિત ભારતના રોડમેપ પર કામ કરી રહ્યો છે. આવા સમયે મને લાગે છે કે આ સ્ટાર્ટઅપ મહાકુંભનું મહત્વ વધી જાય છે. ગત દસકામાં આપણે જોયું કે ભારતે કેવી રીતે આઇટી અને સોફ્ટવેર સેક્ટરમાં પોતાની છાપ છોડી છે. હવે આપણે ભારતમાં ઇનોવેશન અને સ્ટાર્ટઅપ કલ્ચરનો ટ્રેન્ડ સતત વધતો જોઇ રહ્યા છીએ. સાથે જ મોદીએ દાવો કર્યો હતો કે ભારત આજે વૈશ્વિક સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં નવી આશા, નવી તાકાત બનીને ઉભર્યો છે. ભારતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લીધા છે. યોગ્ય સમયે સ્ટાર્ટઅપને લઇને કામ શરૂ કર્યું છે.
મોદીએ કહ્યું હતું કે એઆઇની ક્ષમતાની લીડરશિપ ભારતના હાથમાં રહેશે અને રહેવી જોઇએ, ભારતે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરવાનું નક્કી કર્યું છે. વચગાળાના બજેટમાં સંશોધન અને શોધ માટે એક કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 2014માં દેશમાં 100 જેટલા પણ સ્ટાર્ટઅપ નહોતા, જ્યારે આજે દેશમાં 1.25 લાખ સ્ટાર્ટઅપ છે. જેની સાથે દેશના 12 લાખ યુવાઓ જોડાયેલા છે. મોદીએ સાથે કહ્યું હતું કે હું ચૂંટણી પ્રચારમાં પણ એઆઇનો ઉપયોગ કરી રહ્યો છું. અને મારા નિવેદનોને તામિલ, તેલુગુ અને અન્ય ભાષાઓમાં પહોંચતા કરી શકું છું.