ગોસ્વામી વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં 1100થી વધુ યુવાનોએ કરાવ્યો થેલેસેમિયા ટેસ્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે, વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં વડોદરા ખાતે એક થેલેસેમિયા ફ્રી ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર આરોગ્ય તપાસ પૂરતો સીમિત નહોતો, પરંતુ સમાજને થેલેસેમિયા મુક્ત બનાવવાનો એક પવિત્ર સંકલ્પ હતો. આ કેમ્પમાં 1100થી વધુ યુવાનો અને સિગ્મા યુનિવર્સિટી તથા નવજીવન સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (ટઢઘ) દ્વારા સમગ્ર ભારતમાં એક કરોડ ફ્રી થેલેસેમિયા ટેસ્ટ કરવાના પ્રોજેક્ટનો એક ભાગ હતો.
- Advertisement -
આ પ્રસંગે પોતાના પ્રવચનમાં વ્રજરાજકુમારજી મહારાજે જણાવ્યું હતું કે, “મોદીજીના જન્મદિવસે સાચી ભેટ એ થેલેસેમિયા મુક્ત ભારતનો સંકલ્પ છે”. તેમણે ઉમેર્યું કે, “આપણે ફૂલ કે માળા નથી અર્પી રહ્યા, પરંતુ એક વચન અર્પી રહ્યા છીએ કે અમે થેલેસેમિયા ફ્રી ભારત બનાવશું”. તેમણે થેલેસેમિયા જેવા વારસાગત રોગ અંગે જાગૃતિ ફેલાવતા કહ્યું કે, “લગ્ન પહેલાં 5 મિનિટનો એક સરળ બ્લડ ટેસ્ટ આખું જીવન હોસ્પિટલમાં જતાં અટકાવી શકે છે”. આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશભાઈ સોની, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ થકી આવનારી પેઢીને રોગમુક્ત ભવિષ્ય આપવાનો સંદેશો આપવામાં આવ્યો હતો, જેને સાચી સેવા અને દેશપ્રેમ ગણાવવામાં આવ્યો. આ પ્રસંગે થેલેસેમિયા મુક્ત ભારત માટે દરેક પરિવારે સંકલ્પ લેવાની પણ અપીલ કરવામાં આવી હતી.



