સંસદના શિયાળુ સત્રના પ્રથમ સાત દિવસ ભારે હોબાળા સાથે પસાર થયા બાદ આજે આઠમાં દિવસે પણ વિપક્ષોનો હંગામો જોવા મળ્યો હતો. આ દરમિયાન સંસદ પરિસરની બહાર રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ અદાણી-મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અનોખો વિરોધ કર્યો હતો. રાહુલ અને પ્રિયંકાને ‘મોદી-અદાણી એક છે’ના સૂત્રો સાથેનું કાળા જેકેટ પહેરીને દેખાવો કર્યા હતા. અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપ પર લાંચનો આક્ષેપ કરાયો છે, જને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા.
રાહુલે મોદી-અદાણી પર કર્યા પ્રહાર
- Advertisement -
રાહુલ ગાંધીએ દેખાવો દરમિયાન કહ્યું કે, ‘તમે (સરકાર) ક્યારેય તપાસ કરાવશો? શું તમે તમારી પોતાની તપાસ કરી શકો છો? મોદીજી અદાણીજીની તપાસ કરાવી શકતા નથી. કારણ કે જો મોદી અદાણીની તપાસ કરાવશે તો તેઓ પોતાની જ તપાસ કરાવશે. મોદી અને અદાણી બે નહીં, એક છે.’
બુધવારે પણ મોદી-અદાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા
ઈન્ડિયા ગઢબંધનની પાર્ટીઓએ બુધવારે પણ અદાણી કેસ મુદ્દે સંસદ પરિસરમાં દેખાવો કર્યા હતા. ગઠબંધને અદાણી મુદ્દે સંયુક્ત સંસદીય તપાસની માંગ કરી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આરજેડી, શિવસેના યુબીટી, ડીએમકે અને ડાબેરી પક્ષના સાંસદોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન સાંસદોએ સંસદના દ્વાર પર ‘મોદી-અદાણી એક છે’ના બેનરો પકડી વિરોધ કર્યો હતો. ટીએમસી વિપક્ષના વિરોધ પ્રદર્શન જોડાઈ ન હતી.