આજની તારીખમાં આપણે જ્યારે હરણફાળ ભરતા સાયન્સ અને લેટેસ્ટ ટેકનોલોજી વાળા સમયમાં જીવી રહ્યા છીએ, ત્યારે પણ આપણામાંથી મોટાભાગના કંઈકને કઈક જગ્યાએ રોજિંદા જીવનમાં અંધશ્રદ્ધાઓને પાળવી રહ્યા છે અથવા ભોગ બની રહ્યા છે. આ માટે માત્ર અભણ પ્રજા જ જવાબદાર છે એવું નથી. અંધશ્રધ્ધાની માન્યતાઓ દુનિયાભરમાં પ્રગતિશીલ દેશોમાં પણ પ્રચલિત છે. અંધશ્રદ્ધાનો ઘેરાવો ઓછાવત્તા અંશે સમાજના દરેક વર્ગમાં રહેલો હોય છે. છતાં અજ્ઞાનતા હોય ગરીબી હોય ત્યાં અંધશ્રધ્ધા વધારે પડતી હોય છે. મોટાભાગની બધી અંધશ્રદ્ધાઓ સદીયો જૂની ચાલતી આવી રહી છે. જેમાંની વધારે કરીને શિક્ષણ જ્ઞાન અને વિજ્ઞાન સાથે બદલાઈ ગઈ છે છતાં કેટલીક માન્યતાઓ હજુ પણ લોકોના મનમાં ડર બનીને જીવંત રહી છે. જેમકે કાળી બિલાડી રસ્તો રોકે ત્યારે કામમાં વિઘ્ન આવે. દૂધ ઢોળાય તો અપશુકન થાય વગેરે.. જોકે આવું ક્યાય પુરવાર નથી થયું છતાં અનેક દેશોમાં આ માન્યતાને ઘણા લોકો સાચી માને છે.
આધુનિક ગણાતા અમેરિકનોના દિમાગ ઉપર પણ ઘણી અંધશ્રદ્ધાઓ હજુ પ્રભાવિત છે
- Advertisement -
મોટાભાગના અમેરિકનો પોતાને ઓછામાં ઓછો અંધશ્રદ્ધાળુ માને છે. છતાં પણ 13 નંબરનો આંકડો અને તેમાય 13 તારીખે આવતો શુક્રવારને તેઓ અપશુકનીયાળ દિવસ માને છે
આધુનિક ગણાતા અમેરિકનોના દિમાગ ઉપર પણ ઘણી અંધશ્રદ્ધાઓ હજુ પ્રભાવિત છે, જેને સમજવા માટે થોડા સમય પહેલા સંશોધનકારોએ કરેલા સર્વે પ્રમાણે 2,000 લોકો માંથી 40 ટકા લોકો અંધશ્રદ્ધાળુ નીકળ્યા.
અમેરિકનોમાં વધુ પ્રચલિત અંધશ્રદ્ધાઓ વિષે જો વાત કરીએ તો, કોઈ પણ વાત બોલ્યા પછી સાચી ના પડી જાય એ માટે લાકડા ઉપર ટકોરા મારવા, રાત્રે તુટતા તારાને જોઈ વીશ કરવી. અરીસાનું તૂટી જવું અશુભ ગણાય છે સાથે તૂટેલા અરીસાને ઘરમાં ના રાખવો, ખરાબ સમાચાર ત્રણના જોડકામાં આવે. ઘરની અંદર છત્રી ખોલવાથી ખરાબ નશીબ અંદર આવે, રસ્તામાં પૈસો મળે તો નશીબ ખુલે, જો કોઈએ ઘુવડ જોયું અથવા ઘરના છાપરાં ઉપર બેસી બોલતું સાંભળ્યું, તો કોઈ મરી જશે. વગરે માન્યતાઓ આજે પણ વ્યાપક છે.
જોકે મોટાભાગના અમેરિકનો પોતાને ઓછામાં ઓછો અંધશ્રદ્ધાળુ માને છે. છતાં પણ 13 નંબરનો આંકડો અને તેમાય 13 તારીખે આવતો શુક્રવારને તેઓ અપશુકનીયાળ દિવસ માને છે. આ પાછળનું જવાબદાર કારણ અંતિમ સપરમાં, ઈસુ સાથે દગો કરનાર શિષ્ય જુડાસ સાથે ટેબલ પર બેસનારી 13 વ્યક્તિઓ હતી.
આવીજ રીતે દુનિયાના ઘણા દેશોમાં અલગ અલગ માન્યતાઓ રહેલી છે. સામાન્ય માન્યતાઓ સહનીય હોય છે પરંતુ જ્યારે તે કોઈ જાતી ઉપર તેની અમુક સ્થિતિ ઉપર આવીને તે અટકી જાય ત્યારે એ કુરૂપ અને દયનીય બની જાય છે.
પોતાનો ધર્મ તેના વિચારો, સાચા અને મહાન છે તે પુરવાર કરતા દુનિયામાં કેટલાય ધર્મના અખાડા ખુલ્લા પડી રહ્યા છે. પાખંડી સાધુઓ પોતાની વાત સાચી પુરવાર કરવા પોતાની કથા અને પ્રવચનોમાં ખોટા દાખલા આપીને કે પાપ પુણ્યની બીક આપી સમાજને અવળા માર્ગે ચઢાવી રહ્યા છે. આ બધું ભારત જેવા ધર્મભીરુ દેશોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. પશ્ચિમના દેશોમાં ભલે ધર્મમાં લોકોને શ્રદ્ધા ઓછી હશે, પરંતુ આવી વાહિયાત અંધશ્રધ્ધાને તેઓ ખાસ હવા આપતા નથી.
થોડો સમય પહેલા સોશ્યલ મીડિયા ઉપર કોઈ સ્વામી ના નિવેદનને કારણે હોબાળો મચ્યો હતો. જેમાં કહ્યા મુજબ “માસિકધર્મ દરમિયાન સ્ત્રી ખાવાનું બનાવી પતિને જમાડે તો બીજા જન્મમાં કુતરીનો અવતાર ધારણ કરે છે અને અને એનું જમનારને પાડાનું સ્વરૂપ મળે.” હવે ઘરમાં કોઈ રાંધનાર ના હોય પતિ અને બાળકો ભૂખ્યા બેઠા હોય તો શેનો અવતાર મળે તે વાત કહેવાનું એ સ્વામી ચુકી ગયા છે. કારણ આવી કોઈ વાત ધર્મમાં હોય જ નહિ. આ વાતને કારણે સમાજમાં ખાસ્સો રોષ ફેલાયો, છતાં શું બધા તેના મૂળને સમજી અને સ્વીકારે છે ખરા?
ઘણા બધા અંધવિશ્વાસમાં કોઈને શારીરિક તકલીફ કે માનસિક દબાણ મળતું હોય તો એ માસિક સ્રાવ દરમિયાન સ્ત્રીઓને સહન કરવાનું બને છે. જે ઘટના કે સ્થિતિ છોકરીઓ માટે અનન્ય છે, જે સ્ત્રીઓના જીવનનું મહત્વનું પાસું છે તે હંમેશા વિવાદો થી ઘેરાએલુ રહ્યું છે. જેની ખુલ્લેઆમ તે વિષે ચર્ચા કરવામાં શરમ નડે છે. પરંતુ આવા સમયમાં સ્ત્રીઓને એકલી દુર બેસાડીને વર્તન દ્વારા ખુલ્લી પણ પડાય છે.
બદલાતા સમય સાથે હવે જ્યારે સ્ત્રી ઘરની ચાર દીવાલો છોડી સમાજમાં પુરુષના ખભેખભા મિલાવી કામ કરી રહી છે ત્યારે ખોટી માન્યતાને છાપરે ચડાવી સ્ત્રીઓને તેમના ભાગની ખુશી અને હક અપાવવા સહુએ સાથ આપવો જોઈએ. આ સમસ્યા માત્ર પછાત દેશોની છે એવું નથી સુશિક્ષિત દેશોમાં પણ સ્ત્રીઓની સ્થિતિ કૈક અંશે સરખી જોવા મળે છે.
અમેરિકન પ્રજામાં પણ કેટલાક સ્ત્રીઓની માસિક અવસ્થા દરમિયાનની સ્થિતિ ઉપર મંતવ્યો ધરાવે છે. જેમકે કેમ્પિંગમાં ન જશો કારણ કે રીંછ આ સ્થિતિમાં તેને દૂરથી સૂંધી શોધી શકે છે. જે કૈક અંશે સાચું પણ હોઈ શકે છતાં માન્યતા છે. કેટલાક અમેરિકાનો માને કે જ્યાં સુધી માસિક અવસ્થામાં નાં આવે ત્યાં સુધી યુવતીએ વાળ પર્મ ( વાંકોડીયા) કરાવવા જોઈએ નહિ. ઇઝરાયેલમાં પ્રથમ વખત ટાઈમ ઉપર બેસે ત્યારે સ્ત્રીએ પોતાના ગાલ ઉપર થપ્પડ મારવી. જેથી આખી જીંદગી તેના ગાલ લાલ રહે. કોલંબિયામાં વાળ ધોવા નહિ કે કાપવા નહિ. ઠંડા પીણાં પીવાથી તાણ આવે. પોલેન્ડમાં તો આનાથી આગળ વધીને અંધશ્રદ્ધા જોવા મળી, કે આ સમય દરમિયાન સેક્સ કરવાથી પાર્ટનરની હત્યા થઇ શકે છે. રોમમાં માનવામાં આવે છે કે ફૂલોને સ્પર્શ કરવાથી તે મુરઝાઈ જાય છે. જે સ્ત્રી માસિકમાં આવતી હોય તેના દ્વારાજ ફૂલ સરીખા બાળકનું અવતરણ શક્ય બને છે તો પછી આવી વાહિયાત માન્યતાઓ શેના આધારે નક્કી થઇ હશે તે આજે પણ સમજાતું નથી. મલેશિયામાં માનવામાં આવે છે કે વાપરેલા પેડ્સ ફેંકી દેતા પહેલા તેને ધોવાની જરૂર છે. નહીં તો ભૂત આવીને તમને ત્રાસ આપશે.
ભારતીય સંસ્કૃતીમાં રોજીંદા જીવનમાં ધર્મ, આયુર્વેદ અને વૈજ્ઞાનિક કારણો આપી આવી જૂની પ્રથાઓને સાચી પુરવાર કરવા પ્રયત્નો કરાયા છે
- Advertisement -
માસિકધર્મ મહિનામાં ચાર થી છ દિવસ ચાલતી સ્ત્રીની સામાન્ય શારીરિક ધટના છે જેની જાહેરમાં ચર્ચા કરવી અયોગ્ય ગણાય છે છતાં તેને બહુ મોટું સ્વરૂપ આપી દેવાયું છે
ભારતીય સંસ્કૃતીમાં રોજીંદા જીવનમાં ધર્મ, આયુર્વેદ અને વૈજ્ઞાનિક કારણો આપી આવી જૂની પ્રથાઓને સાચી પુરવાર કરવા પ્રયત્નો કરાયા છે. જે મોટાભાગનાં પોકળ પુરવાર થયા છે.
જોકે શિક્ષણ સાથે ઘણું બદલાયું છે. એ સમાજના હિતમાં પણ છે. જેમકે બાળકીને દૂધપીતી કરવી, સતી પ્રથા, બાળલગ્નો વગેરે કુરિવાજો ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો છે. અજન્મી બાળકીને જ શા માટે અવતરતા રોકવામાં આવતી હતી? આનું એક પણ સાચું કારણ ક્યાય મળતું નથી. આજે પણ છાનીછપની આ પ્રવૃત્તિ ચાલીજ રહી છે. આજે પણ કેટલાય સમાજમાં વિધવા સ્ત્રીઓને પુરતો ન્યાય અપાતો નથી. વિધવા સ્ત્રીએ સમાજથી અલગ એકાંતમાં જીવન વિતાવવું પડે છે. લગ્ન જન્મ જેવા આનંદના પ્રસંગમાં તેને અપશુકનીયાળ માની દુર રાખવામાં આવે છે. જ્યારે આવા કોઈ બંધન વિધુર પુરુષ માટે નથી એ દેખીતો ભેદભાવ છે. અહી કોઈ વિજ્ઞાન કે ધર્મની દલીલ સાચી નથી.
માસિકધર્મ મહિનામાં ચાર થી છ દિવસ ચાલતી સ્ત્રીની સામાન્ય શારીરિક ધટના છે જેની જાહેરમાં ચર્ચા કરવી અયોગ્ય ગણાય છે છતાં તેને બહુ મોટું સ્વરૂપ આપી દેવાયું છે. મોટે ભાગે ધાર્મીક અને પરંપરાગત માન્યતા મુજબ આ દીવસો દરમીયાન તે સ્ત્રી ધાર્મીક પ્રસંગોમાં ભાગ લઈ શકતી નથી. ઈશ્વરના દર્શન કરી શકતી નથી કે પ્રસાદ ખાઈ શકતી નથી! સાથે સાથે ઘરમાં રસોડે કે પાણીના માટલે તેને અડકવાની મનાઈ હોય છે. આ દરમીયાન સ્ત્રી રસોડે અડકે કે અન્ય સ્ત્રી, પુરુષને અડકે તો ‘પાપ’ લાગે છે. આવી માન્યતાને આધારે તેને અલગ રખાય છે.
પહેલા ચાર દીવસ દરમીયાન સ્ત્રીએ કંતાનની જૂની ગોદડીમાં સુવાની ફરજ પાડવામાં આવતી. તેની પાસેથી કોઈ વસ્તુ લેવી હોય કે આપવી હોય તો નીચે મુકીને અપાતી, રખેને તેનો સ્પર્શ થઇ જાય અને અભડાઈ જવાય. એજ સ્ત્રી બાકીના દિવસો તેમની પગચંપી કરતી હોય સેવા કરતી હોય ત્યારે સુખ લાગે છે. અહી કયું વિજ્ઞાન કે ધર્મભાવના આવે છે? હજુ પણ કેટલાંક ધાર્મિક રૂઢીચુસ્ત કુટુંબોમાં ઉપરની પ્રથા ચાલી રહી છે
રજસ્વલા સ્ત્રીના પડછાયાથી પાપડ અથાણા બગડી જાય કોઈ સ્વાદિષ્ટ વાનગી બનાવી હોય તે ખરાબ થઇ જાય. જાણે કે આ દિવસોમાં તેના શરીરમાંથી કોઈ વાઈરસ નીકળતા હશે અને બધું બગાડી મુકતા હશે! આભડછેટની દશામાં સ્ત્રીની જે માનહાની થાય છે એ તેની માટે વાગ્યા ઉપર મીઠું ભભરાવવા જેવી સ્થિતિ હોય છે. કારણ આ સમયે સ્ત્રીની મનોદશા પણ હોર્મોન્સના ફેરફારને કારણે ડામાડોળ હોય છે. જે વધુ સંવેદનશીલ હોય છે.
જેને અપવીત્ર ઘટના ગણવામાં આવે છે એ ‘માસીકસ્રાવ’ ખરેખર તો સ્ત્રીત્વની નીશાની છે. ખરેખર આ સમયે સ્ત્રીને બધા કામોથી દુર રાખવા માટેનું વૈજ્ઞાનિક કારણ છે સ્ત્રીને આરામ આપવાનું છે. વર્ષો પહેલા ઘરકામમાં પણ સ્ત્રીઓને હાડમારી ભર્યા કામ કરવા પડતા. તેનો આરામ સચવાઈ રહે એ માટે આવો કોઈ નિયમ ઘડાયો હશે. પરંતુ આ સાથે જોડાએલ પાપ પુણ્ય બધુજ ઉપજાવી નાખેલી વાતો માત્ર છે. સ્ત્રીને આવા સમયમાં વધુ સમ્માન મળવું જોઈએ, આજ કારણોસર તે વંશવેલો આગળ ચલાવવાની ક્ષમતા ધરાવે છે.
શિક્ષણને કારણે સમજનો વ્યાપ વધ્યો છે, શિક્ષિત સમાજ હવે આવી વાહિયાત વાતોથી દુર રહેવા લાગ્યો છે. પરિણામે સમાજમાં હવે ઘણું બદલાઈ રહ્યું છે. સ્ત્રીઓને સમાન હક અને માન મળવા લાગ્યા છે, આથી તેમની આવી સ્થિતિમાં ઘણો સુધારો થઇ ગયો છે. આજના યુવાનો સ્ત્રીની આ પરિસ્થિતિમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરે છે. કેટલાક પુરુષો પત્નીના આ સમયમાં ઘરકામ કરીને તો કેટલાક ઓફિસમાં સ્ત્રી મિત્રને મદદ કરી શારીરિક દુ:ખ ઓછું કરવા પ્રયત્ન કરે છે. કાર્યકરતી સ્ત્રીઓને આવા સમયમાં કામ ઉપર વધુ છૂટછાટ પણ અપાય છે.
“સમાજમાં જીવન અને શરીરને લગતા આવા ઘણા વિષયો ઘણી અંધશ્રદ્ધાઓ છે જેની તરફ આંખ આડા કાન કરવાને બદલે વૈજ્ઞાનીક રીતે સમજ આપવામાં આવે તો પાખંડી લોકોને ધર્મની આડમાં સમાજનું માનસ પરીવર્તન કરતા રોકી શકાય.”