દેશમાં પ્રથમવાર ચૂંટણીપંચની અનોખી પહેલ
ચૂંટણી પંચના સચિવ સાથે નોડલ ઓફિસરે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પોલિંગ સ્ટાફની તાલીમનું કર્યું નિરીક્ષણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
ભારતીય ચૂંટણી પંચના સચિવ સંજીવકુમાર પ્રસાદે આજે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેના પોલિંગ સ્ટાફની પ્રથમ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે પોલિંગ સ્ટાફ સાથે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શક અને નિષ્પક્ષતા વિશે સંવાદ કર્યો હતો. મહત્વનું છે કે, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટેની પોલિંગ સ્ટાફની તાલીમમાં પ્રથમવાર ઇવીએમ હેન્ડ્સ ઓન હેન્ડ ટ્રેનિંગમાં ચૂંટણી સ્ટાફની 3 થી 4 અધિકારી કર્મચારીઓની એક ટીમને ઇવીએમ, વીવીપેટ, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ સોંપી દેવામાં આવ્યું હતું. વોટીંગ માટેના આ ઉપકરણોની વ્યાપક સમજ આપવાની સાથે મોકપોલની ડ્રિલ સ્વયં પોલિંગ સ્ટાફની ટીમે કરી હતી. ચૂંટણી સ્ટાફના અધિકારી કર્મચારીઓએ જાતે 100 જેટલા મત નાખી મોકપોલ કર્યા હતાં અને આ મત યોગ્ય રીતે થયા છે. તેની વીવીપેટની કાપલીઓ સરખાવી ખરાઈ પણ કરી હતી.
ઈસીઆઈના સચિવની સાથે ઈવીએમના નોડલ ઓફિસર બી. થેઈલેવેલે પણ પોલિંગ સ્ટાફનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, ભારતીય ચૂંટણી પંચની નવીન પહેલરૂપે ખાસ કરીને ઇવીએમની હેન્ડ્સ ઓન હેન્ડ એટલે કે પ્રત્યક્ષ તાલીમ ઉપર ભાર મૂકી રહ્યું છે. તે ઉપરાંત અન્ય નવી પહેલમાં મોકપોલ, દર બે કલાકના મતદાનના આંકડા સહિતના ડેટા હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની એક મોબાઇલ એપ્લિકેશન મારફતે જ મતદાન મથકેથી અપલોડ કરવાના રહેશે.