ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
મોરબી માટે આશીર્વાદ સમાન મચ્છુ-2 ડેમના દરવાજા બદલવા માટેનું કામ ચાલી રહ્યું છે અને તે કામ કરવા માટે ડેમમાં રહેલ પાણીને નદીમાં છોડી દેવામાં આવ્યું હતું. જેથી કરીને મોરબીમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ડેમ ઉપર કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા અને લોકોને નિયમિત પાણી મળે તેના માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ધારાસભ્યો જ્યારે ડેમ ઉપર કામનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા. ત્યારે પાણી પુરવઠા બોર્ડ, સિંચાઇ વિભાગ અને પાલિકાના અધિકારીઓએ ત્યાં હાજર રહ્યા હતા. હાલમાં જે પાણીની મોટરો મૂકીને પીવાનું પાણી પહોંચડવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે તેની માહિતી આપી તેમજ આગામી દિવસોમાં વધુ મોટરો ડેમ ઉપર મૂકીને લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી માહિતી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપી હતી.