ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરીજનોને હોળી-ધુળેટીના પાવન પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવેલું કે હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાતમાં ખાસ કરીને હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. ધુળેટી પછી આકરા ઉનાળાની શરૂઆત થાય છે, એટલે કે મોટા તહેવારોની ઉજવણીમાં પાંચેક માસ જેટલો બ્રેક આવે છે. ધુળેટી પછી છેક શ્રાવણ માસથી રક્ષાબંધન- જન્માષ્ટમી જેવા તહેવારોની શૃંખલા પાછી ચાલુ થાય છે. ધુળેટી પર્વમાં રંગોની અભિલાષા સામાજિક, સામુહિક બની જાય છે અને રંગોની આ આરાધનાના એક અનોખા અવસરે લોકો એકબીજાને જુદા જુદા રંગોથી રંગે છે, ફાગણ રમાય છે, ગુલાલ ઉડાડે છે અને રંગ ભરીને એકબીજા પર પિચકારીઓ મારે છે. આમ માનવ પોતાને રંગીન બનાવીને પોતાને પ્રકૃતિની વધારે નજીક અનુભવે છે. આમ હોળી-ધુળેટી સાચા અર્થમાં પ્રકૃતિની સાથે એકરંગ થઈ જવાની કામનાને મૂર્તિરૂપ આપવાનો એક અવસર છે. તહેવારોનું ધાર્મિક મહત્ત્વ હોવાની સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ હોય છે. પરંતુ હોળીદહન એ વાતનું પ્રતીક છે કે માણસ પોતાના મનની અશુદ્ધિઓને હોળીની આગમાં સળગાવી દે, જેનાથી મન નિર્મળ રહે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની જેમ નીખરીને નીકળશે. બીજા દિવસે ધુળેટી સત્યના વિજયની ખુશાલી અને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે એમ અંતમાં શહેરીજનોને હોળી-ધુળેટી પર્વની શુભેચ્છા આપતાં અંતમાં ઉદય કાનગડે જણાવેલું હતું.