GSRની સુવિધાથી રેલનગર વિસ્તારના આશરે 54 હજારથી વધુ લોકોને લાભ મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ-3માં રેલનગર હેડવર્કસ, શિવદૃષ્ટિ પાર્ક મેઈન રોડ, રેલનગર ખાતે રૂા. 7.45 કરોડના ખર્ચે 13.9 એમ.એલ. ક્ષમતાના જી.એસ.આર. બનાવવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, વોટર વર્કસ સમિતિના ચેરમેન અશ્ર્વિન પાંભર, વોર્ડના કોર્પોરેટર અલ્પાબેન દવે, મંજુબેન કુંગશીયા, વોર્ડના પ્રભારી પૂર્વેશ ભટ્ટ, વોર્ડપ્રમુખ હેમુભાઈ પરમાર, કોર્પોરેશનના ડેપ્યુટી એન્જિનિયર, સીટી એન્જિનિયર સહિતના અધિકારીઓ, વોર્ડ સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તા ભાઈઓ-બહેનો તેમજ સ્થાનિક રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્યની ભાજપ સરકાર દ્વારા અનેકાનેક લોકકલ્યાણકારી અને લોકહિતકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે
- Advertisement -
ત્યારે ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા શહેરમાં માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓનો લાભ જન-જનને મળે તે માટે કટિબદ્ધ છે ત્યારે આ જી.એસ.આર.ની કામગીરી પૂર્ણ થવાથી શહેરના વિકાસશીલ એવા રેલનગર વિસ્તારના આશરે 54 હજારથી વધુ લોકોને આ લાભ મળશે અને સ્ટોરેજ કેપેસિટીમાં વધારો થશે અને શટડાઉન વગર લાઈનમાં રીપેરીંગ તેમજ પાણી વિતરણ થઈ શકશે.