અટલજીએ પોતાની સરળતા અને સહજતાથી કરોડો ભારતીયોના હૃદયમાં એક અનોખુ સ્થાન બનાવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલબિહારી વાજપેયીનો આજે તા. 25 ડીસેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે વિધાનસભા 68- રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ શ્રદ્ધેય અટલબિહારી બાજપાઈજીને શત શત નમન કરતાં જણાવેલું કે શ્રદ્ધેય અટલજી બિહારી વાજપેયીનો જન્મ તા. 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પોતાના જીવનકાળ દરમિયાન અનેક ઉતાર-ચઢાવનો અનુભવ કરનાર અટલજી બચપણમાં વિદ્યાર્થી પ્રવૃત્તિઓથી લઈને આર.એસ.એસ.ના સ્વયંસેવક અને ત્યારબાદ સંઘના પ્રચારક બની ગયા. સંઘમાંથી જનસંઘમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના યુવા સાથી બની રાજનીતિમાં પદાર્પણ કર્યું. સત્યાગ્રહો- આંદોલનોમાં સક્રિય રહ્યા. જનસંઘ પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા. 1977માં જનતા પક્ષની સરકારમાં વિદેશ પ્રધાન અને લગાતાર ત્રણ-ત્રણ વાર ભારતના વડાપ્રધાન બન્યા. 1993માં કાનપુરની વિશ્ર્વ વિદ્યાલયે માનદ ડોકટરની ડીગ્રી એનાયત કરી. 1999માં પ્રસિદ્ધ લોકમાન્ય તિલક એવોર્ડ આપવામાં આવ્યો. 1998માં દેશની સંસદે તેઓને સર્વસંમતિથી સર્વશ્રેષ્ઠ સાંસદનો ઉચ્ચ ખિતાબ આપ્યો. 2014માં તેમને ‘ભારત રત્ન’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. આમ અટલજી એક મૂલ્યનિષ્ઠ રાજનેતાની સાથોસાથ ઉત્તમ વક્તા, ઉમદા લેખક, વિચારવાન વિચારક અને સાચા ઈન્સાન તો હતા જ પરંતુ એક સંવેદનશીલ કવિ પણ હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય હતા અને પાર્ટીના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અટલબિહારી વાજવેયી એક કવિ અને લેખક હતા. તેમની કવિતા તેમની ઉંડાઈ અને સુંદરતા માટે વ્યાપકપણે વખાણાઈ હતી. રાષ્ટ્ર પ્રત્યે તેમના યોગદાનની માન્યતામાં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
અટલજી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવાના મહત્ત્વમાં માનતા હતા અને કલા અને સાહિત્યના આશ્રયદાતા હતા. અટલ બિહારી વાજપેયીને તેમની પ્રમાણિકતા અને જાહેર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે સમગ્ર રાજકીય સ્પેકટ્રમના લોકો દ્વારા ઉંડો આદર અને પ્રશંસા કરવામાં આવી હતી. તેમનો વારસો ભારત અને સમગ્ર વિશ્ર્વમાં લોકોને પ્રેરણા આપતો રહે છે અને તેમને ભારતના મહાન નેતાઓમાંના એક તરીકે હરહંમેશ યાદ કરવામાં આવશે. આજે સમગ્ર દેશ પોતાના ભારત રત્ન અટલજીને એક આદર્શ વિભૂતિ તરીકે યાદ કરી રહ્યો છે. અટલજીએ પોતાની સરળતા અને સહજતાથી કરોડો ભારતીયોના હૃદયમાં એક અનોખુ સ્થાન બનાવ્યું હતું. સમગ્ર દેશ અટલજીના યોગદાન પ્રત્યે કૃતજ્ઞ છે. અટલજીનું સમગ્ર જીવન સુશાસન, એકતા અને પ્રગતિના સિદ્ધાંતોને મૂર્તિમંત કરે છે તેમ શ્રદ્ધેય અટલજીને જન્મદિવસ અંતર્ગત કોટી કોટી વંદન કરતા અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું.