વેરાવળ-ભાવનગર એસ.ટી.બસ વાયા કોડીનાર, ઊના, રાજુલા, મહુલા, તળાજા રૂટ પર દોડશે: ડેપો મેનેજર
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સમયની જરૂરિયાત પ્રમાણે નવા રૂટો શરૂ કરવામાં આવે છે. આજ ઉપક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે ભાવનગર જવા માટેની એક નવીન બસની શરૂઆત વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા કરવામાં આવી છે. ગત બપોરે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડે આ બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ધારાસભ્યશ્રીએ બસમાં મુસાફરરૂપે બેસીને બસમાં ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી કરી હતી. આ ઉપરાંત તેઓએ બસમાં બેસેલા મુસાફરો સાથે સંવાદ કરીને એસ.ટી. દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સગવડો અને સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી. આ નવીન રૂટ શરૂ થતા ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને ભાવનગર તરફ જવા માટે નવી સુવિધા ઉભી થઇ છે. વેરાવળ-ભાવનગર એસ.ટી.બસ વાયા કોડીનાર,ઉના, રાજુલા, મહુલા, તળાજા રૂટ પર દોડશે. તેમ દિલીપ શામળા એસ.ટી ડેપો મેનેજરે જણાવ્યું હતું. આ બસ વેરાવળ એસ.ટી.ડેપોથી બપોરે 15:15 કલાકે ઉપડી 22:00 કલાકે ભાવનગર પહોંચશે તેમજ ભાવનગર એસ.ટી.ડેપોથી સવારે 5:30 કલાકે ઉપડી વેરાવળ 12:15 કલાકે પરત આવશે. તેમજ ભાવનગરથી 21:30 કલાકે ઉપડી વેરાવળ 4:15 કલાકે નવી ટ્રીપ કાર્યરત કરવામાં આવશે. જેનો મુસાફર જનતાએ લાભ લેવાં એસ.ટી. તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.