યુવા ભાજપના આગેવાન અને જામનગરના પ્રભારી અમિત બોરીચાને ધમકીઓ આપતાં તાલુકા પોલીસમાં અરજી
મવડીમાં ધોકા-પાઈપ સાથે એક્ટિવામાં ધસી આવેલા હિસ્ટ્રીશીટર મિત ઉર્ફે ભાજી ખંગ્રામ સહિતનાં ત્રણ શખ્સોએ સરાજાહેર આતંક મચાવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરી બેફામ બની રહી છે અને લુખ્ખાઓ અને હિસ્ટ્રીશીટરોનો આતંક સામાન્ય લોકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. શહેરમાંથી જાણે પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂની હુમલા, હત્યા જેવા બનાવોથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે 40 ફૂટ રોડ પર મવડી ચોકડી પાસે એક્ટિવા ગાડીમાં નીકળેલા હિસ્ટ્રીશીટર શખ્સ સહિત ત્રણ શખ્સોએ ધોકા-પાઈપ સાથે નીકળી કાર, બાઈક જેવા વાહનોમાં ફટકારી સરાજાહેર ગાળાગાળી કરી રીતસરનો આતંક ફેલાવ્યો હતો. આ અંગે ટપારવા ગયેલા પ્રદેશ યુવા ભાજપના આગેવાન અને જામનગરના પ્રભારી એવા અમિત બોરીચાને મિત ઉર્ફે ભાજી ખંગ્રામ સહિતનાં લુખ્ખા તત્ત્વોએ ધમકી આપતાં ચકચાર મચી જવા પામી છે.
40 ફૂટ રોડ પર મવડી ચોકડી પાસે સાંજના સમયે એક્ટિવામાં ધોકા-પાઈપ સાથે મિત ઉર્ફે ભાજી ખગ્રામે તેના સાગરીતોએ નીકળી રીતસરનો આતંક મચાવ્યો હતો. જાહેરમાં ગાળાગાળી કર્યા બાદ ત્રણેય શખ્સોએ ધોકા-પાઈપ સાથે કાર સહિતના વાહનો પર ધોકા પાઈપ પછાડવાનું શરૂ કર્યું હતું જે અંગે ટપારવા ગયેલા પ્રદેશ યુવા ભાજપના આગેવાન અને જામનગરના પ્રભારી એવા અમિત બોરીચા (રહે. ગીરનાર સોસાયટી)ને ખૂનની ધમકીઓ આપી હતી. નામચીન શખ્સે બુમ બરાડા કરતાં કહ્યું હતું કે હું કોણ છું, તું ઓળખશ, હું હમણાં જ જેલમાં રહીને આવ્યો છું, મારે કાયમી પોલીસ સાથે પનારો છે, કહી ધમકીઓ આપી નાસી છૂટ્યા હતા. મવડીમાં ભયનો માહોલ સર્જી ધમકી આપનાર હિસ્ટ્રીશીટર સામે પ્રદેશ યુવા ભાજપના આગેવાન અમિત બોરીચાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. ભાજપ આગેવાન અમિત બોરીચાએ અરજી આપતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.