જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ 4 દિવસની શોધખોળ બાદ મળ્યા
તબિયત ખરાબ હોવાને લીધે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
5ાંચ સામે ગંભીર આક્ષેપ અને આપત્તિજનક વ્હોટ્સએપ્પ ચેટ પર પોલીસ તપાસ કરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ ભવનાથ તળેટીમાં આવેલ પ્રસિદ્ધ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના કેસમાં આખરે પોલીસે અને સંત સમાજે રાહતનો શ્વાસ લીધો છે. સ્યુસાઇડ નોટ લખીને આશ્રમમાંથી ગુમ થયેલા બાપુ ચાર દિવસની સઘન શોધખોળ બાદ ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલ ઇટવા ઘોડી વિસ્તારમાંથી અશક્ત અને નાદુરસ્ત હાલતમાં મળી આવ્યા છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના અચાનક ગુમ થવા પાછળનું કારણ તેમની પાંચ પાનની ચોંકાવનારી સ્યુસાઇડ નોટ મળી હતી. આ સ્યુસાઇડ નોટમાં બાપુએ 5ાંચ લોકો પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો કે, ’હિતેશ-કૃણાલ, પરમેશ્વર ભારતી’ સહિતના પાંચ લોકો છેલ્લા ત્રણ વર્ષથી તેમને ટોર્ચર કરતા હતા, જેના કારણે તેઓ મરવા મજબૂર થયા હતા.
આ સુસાઇડ નોટ ઉપરાંત, તેમની કેટલીક આપત્તિજનક વોટ્સએપ ચેટ પણ વાયરલ થઈ હતી, જેનાથી આશ્રમની આંતરિક બાબતોનો પર્દાફાશ થતાં સમગ્ર સંત સમાજમાં સનસનાટી મચી ગઈ હતી. બાપુ ગુમ થવાના સમાચાર મળતા જ ભવનાથ પોલીસ સહિત જૂનાગઢ પોલીસ વિભાગ દોડતું થયું હતું. આ ઘટનાની ગંભીરતા જોતા 300થી વધુ પોલીસ જવાનોની વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા છેલ્લા ચારેક દિવસથી ગિરનાર પર્વત અને આસપાસના ગાઢ જંગલ વિસ્તારમાં બાપુને શોધવા માટે રાત-દિવસ સઘન સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી હતી. આખરે બાપુ મળી આવતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે. લાંબા સમયથી ગુમ થયેલા મહાદેવ ભારતી બાપુ જંગલમાંથી મળી આવતા તેમના હજારો અનુયાયીઓ અને સંત સમાજમાં આનંદની સાથે રાહતની લાગણી ફેલાઈ છે. બાપુ જ્યારે મળી આવ્યા ત્યારે તેઓ અત્યંત અશક્ત અને નાદુરસ્ત હાલતમાં હતા, જેના કારણે તેમને તુરંત સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. પોલીસે હાલ બાપુની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ બાપુ મળી આવતા હવે આ કેસમાં કાયદેસરની કાર્યવાહીની ગતિ તેજ કરવામાં આવશે. પોલીસે બાપુ દ્વારા સ્યુસાઇડ નોટમાં કરવામાં આવેલા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધના ગંભીર આક્ષેપો અને આપત્તિજનક ચેટના આધારે આશ્રમની આંતરિક બાબતો અને ટોર્ચર કરવાના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસ બાદ આશ્રમની ગાદીના વિવાદો પરથી વધુ રહસ્યો પરથી પડદો ઊંચકાઈ શકે છે.



