ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગેરવહીવટ અને કર્મચારીઓની મનમાનીને કારણે નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રજિસ્ટર્ડ એ.ડી. અને સરકારી ચલણની ચૂકવણી માટે માત્ર બે જ બારીઓ ખુલ્લી રહે છે, જેના કારણે કલાકો સુધી લાંબી લાઈનો લાગે છે. પોસ્ટ સ્વીકારતા કર્મચારીઓ માત્ર પાંચ જ ટપાલનો સ્વીકાર કરે છે અને પાંચથી વધુ ટપાલ હોય તો ફરી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પાડીને લોકોને આખો દિવસ હેરાન કરે છે.
આ ઉપરાંત, કર્મચારીઓ દ્વારા ગુજરાતી ભાષાના અપમાનની પણ ગંભીર ફરિયાદો ઉઠી છે. એક બુઝુર્ગ કર્મચારીએ બળાપો ઠાલવતા જણાવ્યું કે, ગુજરાતીમાં સરનામું લખેલું હોય તો ફરજિયાત અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવા માટે આગ્રહ કરવામાં આવે છે, જે ગુજરાતમાં ગુજરાતી ભાષાના મહત્વનો અનાદર છે. સરકારી કચેરીઓ અને ખાનગી કંપનીઓના કર્મચારીઓ કે જેમને અંગ્રેજીનું જ્ઞાન ઓછું હોય છે, તેમને આ કારણે ભારે મુશ્કેલી પડે છે. મોરબી ઉદ્યોગ નગરી હોવાથી અહીંથી રજિસ્ટર્ડ પોસ્ટ અને પાર્સલની સંખ્યા વધુ હોય છે. તેમ છતાં, પોસ્ટના કર્મચારીઓ જાણીજોઈને કામ ધીમું કરે છે અને લોકોને કનડગત કરે છે. લોકોએ માગણી કરી છે કે પોસ્ટલ વિભાગ દ્વારા વધુ બારીઓ ખોલવામાં આવે અને ગ્રાહકો સાથે યોગ્ય વ્યવહાર કરનારા લોકાભિમુખ કર્મચારીઓને બારી પર મૂકવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે. જો આ મામલે વહેલી તકે ધ્યાન આપવામાં નહીં આવે તો લોકોનો પોસ્ટલ વિભાગ પરથી વિશ્વાસ ઉઠી જશે.