ખાસ-ખબર સંવાદદાતા
ટંકારાના હડમતીયા ગામે પાલનપીરના મેળામાં ગયેલો સગીર ત્યાંના કપુરીયા કુંડમાં નાહવા પડ્યો હતો તે દરમિયાન પાણીના કુંડમાં ડૂબી જવાથી 17 વર્ષીય સગીરનું મોત નીપજ્યું હતું જેથી ફાયરટીમે મૃતદેહને બહાર કાઢીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં આવેલ પાલનપીરની જગ્યાએ દર વર્ષે ભાદરવી વદ 9 થી 11 એમ ત્રણ દિવસનો મેળો ભરાય છે ત્યારે બોટાદ જીલ્લાનો વતની અને હાલ મોરબીના ઈરોઝ સેનેટરીવેર નામની ફેકટરીમાં રહેતો વિજય ભલાભાઈ ચાવડા નામનો 17 વર્ષીય સગીર પણ મેળો માણવા ગયો હતો અને આ મેળાની જગ્યામાં આવેલ કપુરિયા કુંડમાં નાહવા પડ્યો હતો તે દરમિયાન અકસ્માતે સગીર ડૂબી ગયો હતો જોકે આ ઘટનાથી પરિવાર અજાણ હોય અને મેળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં કોઈ પત્તો ન લાગતા અંતે પરીજનોએ તેની શોધખોળ કરી હતી. આ દરમિયાન કપુરિયા કુંડમાં સગીર ડૂબ્યો હોવાની જાણ થતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી કણે ફાયરની ટીમે સગીરના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસ દ્વારા અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટંકારાના હડમતીયામાં મેળો માણવા ગયેલો સગીર કુંડમાં ડૂબ્યો, ફાયરની ટીમને મૃતદેહ મળ્યો
