“મારૂ ગામ, હરીયાળુ ગામ” ગામેગામ સકારાત્મક લોકપ્રતિસાદ
દહીંસરા, ભાડલા ખાતે વૃક્ષારોપણ કરી “મારૂ ગામ, હરીયાળુ ગામ” અભિયાનને પ્રેરક બળ પુરૂ પાડતા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા.
રાજકોટ- માનવ જીવન સાથે વૃક્ષોનો સંબંધ અભિન્ન છે. વરસાદ અને શુધ્ધ પ્રાણવાયુ સાથે પર્યાવરણીય સંતુલન માટે વધારેમાં વધારે વૃક્ષોના વાવેતર અને જતન સાથે સંવર્ધન એ હાલના સાંપ્રત સમયની માંગ છે. આ બાબતને ધ્યાને લઇને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જસદણ અને વિંછીયા તાલુકાના ૧૦૫ ગામમાં ઓછામાં ઓછા ૧૦૫ વૃક્ષોનું આરોપણ કરી આ પંથકને હરીયાળો બનાવવા કમરકસી છે.
- Advertisement -

આજરોજ મંત્રી કુવરજીભાઇ બાવળીયાએ દહિંસર ખાતે પ્રાથમિક શાળાના પટાંગણમાં અને ભાડલા સ્થિત એચ.આર.ગાર્ડી હાઇસ્કુલના મેદાનમાં તથા રાણીંગપર અને બોઘરાવદર પ્રાથમિક શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી “મારૂં ગામ હરીયાળું ગામ” અભિયાનને પ્રેરકબળ પુરૂ પાડયું હતું.
આ તકે તેઓએ ઉપસ્થિત ગ્રામજનોને વધુમાં વધુ વૃક્ષોના આરોપણ કરી તેના જતન પર ભાર મુકતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં શુધ્ધ ઓકસીજન અને પર્યાવરણના સંતુલનનું મહત્વ સૌ કોઇને સમજાયું છે. ત્યારે આવનારા ભવિષ્યને શુધ્ધ અને સ્વાસ્થયપ્રદ પર્યાવરણ માટે આજથી જ આયોજનબધ્ધ કરવુ જરૂરી છે.
- Advertisement -

ગ્રામલોકો ગામના પાદરમાં, રસ્તાની બન્ને બાજુ,ઘરના આંગણામાં તથા સ્કુલ, પંચાયતઘર, કોમ્યુનિટી હોલ મંદિર જેવા જાહેર સ્થળોએ વૃક્ષો વાવી તેને ઉછેરી સુંદર અને રળીયામણું ગ્રામ બનાવે તેવો અનુરોધ કરતા સરકારી વિભાગોના કર્મચારીઓ સહિત ગ્રામલોકો પણ જોડાય તે જરૂરી છે.
વૃક્ષારોપણ દ્વારા પર્યારણીય જતન સાથે ખેડૂતો પોતાના શેઢાપાળે આંબળા, જાંબુ, સરગવો, બદામ જેવા વૃક્ષોનું વાવેતર કરી વધારાની આવક પણ રળી શકે છે. તેમ જણાવતા તેઓએ મીશનમંગલમ અંતર્ગત સખીમંડળોની બહેનોએ પણ મનરેગા હેઠળ વૃક્ષારોપણ દ્વારા ઘર આંગણે આવક રળી તકનો લાભ લેવા આહવાન કર્યૂ હતું. આ ઉપરાંત આ તકે તેઓએ લોકપ્રશ્નોની સમિક્ષા કરી સ્થળ પર જ નિરાકરણ લાવવા ઉપસ્થીત અધિકારીઓને સુચન કર્યું હતું. ખાસ આ પ્રસંગે કોરોનાથી બચાવ માટે સલામત અંતર અને માસ્ક સાથે રસીકરણ અવશ્ય કરાવવા ભારપુર્વક અનૂરોધ કર્યો હતો.

આ તકે પ્રાંત અધિકારી પ્રિયંક ગલચર તથા આર.એફ.ઓ. માલમે વૃક્ષોના માનવ જીવનમાં મહત્વને વિગતવાર વર્ણવી લોકોને વૃક્ષોના જતન પ્રત્યે જાગૃત કર્યા હતા. તેઓએ આ સાથે વિવિધ ઔષધિય વનસ્પતિની વિસ્તૃત માહિતી આપતાં લોકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ પ્રસંગે આંગણવાડીના બાળકોને મંત્રી બાવળીયા અને મહાનુભાવોના હસ્તે યુનિફોર્મનું વિતરણ પણ કરાયું હતું.
આ અભિયાનમાં તાલુકા વિકાસ અધિકારી પારસ વાંદા, વનવિભાગના અધિકારી એસ. એન. રાઠોડ, જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રવજીભાઇ સરવૈયા, પૂર્વ કારોબારી ચેરમેન મગનભાઇ, યુવા ભાજપ અગ્રણી મુકેશભાઇ મેર, રાજુભાઇ ચાવડા, દહિંસરના સરપંચ કડવાભાઇ સોસા, વાવડીના સરપંચ જેન્તીભાઇ જમોડ, ભાડલાના ગૌત્તમભાઇ રાઠોડ, પાણી પુરવઠા અધિકારી જોષી, આંગણવાડી, આશાવર્કર અને સખીમંડળની બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.



