મંત્રીએ સિંચાઇ અને પાણી વિતરણ બાબતોની સમીક્ષા કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મંત્રી કુંવરજી બાવળીયાએ આગામી રવી પાકમાં ખેડૂતોને સિંચાઈનો મહત્તમ લાભ મળે તે મુજબનું આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ કેનાલ મરામત અને જાળવણીની ફરિયાદો દૂર કરવા, નવા ચેક ડેમની દરખાસ્ત – રીપેરીંગની માહિતી પણ મેળવી હતી.આ ઉપરાંત સિંચાઈ વિભાગના ચાલુ કામોની પ્રગતિ, શરુ કામના પ્રશ્ર્નોના નિવારણ અને સૂચિત કામોની મંજૂરીઓ બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ઉચ્ચકક્ષાએથી કમિટી દ્વારા સૂચવાયેલા કામો, લોકોની રજૂઆત કરવામાં આવી હોય એ કામોની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
હાલમાં પ્રગતિ હેઠળ સૌની યોજના લિંકની પ્રગતિ બાબતે વિગતવાર ચર્ચા અને સત્વરે પૂર્ણ કરવા બાબતે આયોજન ઘડવા પણ અધિકારીઓને સૂચના આપી હતી.મીટીંગ પૂર્ણ થયા બાદ મંત્રીએ સિંચાઇ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના કામોની સ્થળ મુલાકાત અવલોકન કર્યુ હતુ. તેમજ સિંચાઇ વિભાગના જૂનાગઢ જિલ્લાના સૌથી મોટા જીવાદોરી સમાન ઓઝત 2 ડેમની મુલાકાત કરી અને સિંચાઇ અને પાણી વિતરણ બાબતોની સમીક્ષા કરી હતી.