ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગીર વિસ્તારના કરસનગઢ ગામની મુલાકાત દરમિયાન અદભુત અને ભાવસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. મંત્રીશ્રી ગામ આગેવાનો સાથે સ્થાનિક પ્રશ્ર્નો બાબતે ચર્ચા કરી રહ્યા હતાં. જે ચર્ચાના અંતે કરશનગઢ ગામના સતાયું લક્ષ્મીબેન ગીગા મંત્રીશ્રીને ભાવભેર મળે છે. સાથે જ આટલી મોટી ઉંમરે તંદુરસ્તી, ખોરાક વગેરેની વાતચીત કરે છે અને વાતવાતમાં ઘરે પધારવા મંત્રીશ્રીને આમંત્રણ આપે છે. જે મંત્રીશ્રીએ પણ સહર્ષ સ્વીકાર્યું હતું અને પગપાળા ચાલીને સતાયું લક્ષ્મીબેન ગીગાના ઘરે ગયા હતાં.
મંત્રીશ્રી સતાયું લક્ષ્મીબેન સાથે ઢોલિયા પર સાથે બેસી લોકજીવનની વાતો કરે છે, મંત્રીશ્રીએ કહ્યું કે, તમારો સ્નેહ જ મને અહીં સુધી દોરી લાવ્યો છે. આ દરમિયાન મંત્રીશ્રીએ આ મુલાકાતનું કાયમી સંભાળવું બની રહે તે માટે સતાયું લક્ષ્મીબેન સાથે સેલ્ફી પણ લીધી હતી.માલધારી પરિવારના દેવાભાઈ ગીગાએ પણ સાવજની રસપ્રદ વાતો કરી હતી. સાથે જ દુહો લલકારી ગિર-સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિના વૈભવનો પરિચય કરાવ્યો હતો.