વન અને પર્યાવરણ મંત્રી 6 ડિસેમ્બર, શનિવારે ભાજપ કાર્યાલય અને બગવદર ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તેમજ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનતાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આગામી શનિવારના રોજ પોરબંદર અને બગવદર ખાતે વિશેષ *’લોક દરબાર’*નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ આ અંગેની માહિતી આપી હતી. આ લોક દરબારનું આયોજન તા. 06.12.2025 ને શનિવારના રોજ બે સ્થળોએ કરવામાં આવ્યું છે. સવારે 10:00 થી 1:00 વાગ્યા સુધી: પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલભવન ખાતે. સાંજે 5:00 થી 6:00 વાગ્યા દરમિયાન: બગવદર ગ્રામ પંચાયતની કચેરી ખાતે. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખુદ લોકોની વચ્ચે બેસીને તેમની વ્યક્તિગત કે સામુદાયિક રજૂઆતો સાંભળશે અને તેના ઝડપી નિકાલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપશે. પોરબંદર વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને આ લોકશાહી પ્રક્રિયાનો લાભ લેવા અને સમયસર ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
મોઢવાડા વિસ્તારને રૂ.3.05 કરોડના ખર્ચે બે નવા સુવિધાપથની ભેટ: શનિવારે ખાતમુહૂર્ત
બીજી તરફ, મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રજૂઆતને પગલે રાજ્ય સરકારે પોરબંદરના મોઢવાડા વિસ્તારમાં માર્ગ સુવિધાના વિસ્તરણ માટે રૂ. 3 કરોડ 5 લાખથી વધુના ખર્ચે બે નવા સુવિધાપથોના વિકાસ કામોને મંજૂરી આપી છે. આ બંને માર્ગોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ પણ આવતીકાલે, શનિવાર, તા. 6 ડિસેમ્બરના રોજ બપોરે 3:15 કલાકે મોઢવાડા ગામે લીરબાઈ માતાજીના મંદિર ખાતે યોજાશે, જેમાં પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
- Advertisement -
પોરબંદરને બે નવા સ્થાયી પશુ દવાખાનાની ભેટ
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના સતત પ્રયાસોના પરિણામે રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાના પશુપાલકો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લીધો છે. જિલ્લામાં બે નવા સ્થાયી પશુ દવાખાના શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ પૈકી એક દવાખાનું બારાડી પંથકના કુછડી ખાતે અને બીજું બરડા પંથકના બખરલા ગામે કાર્યરત થશે. આ બંને સ્થળો સેન્ટર પોઈન્ટ પર હોવાથી આસપાસના અનેક ગામોના પશુપાલકોને હવે ઘરઆંગણે જ અદ્યતન પશુ સારવારની સુવિધા મળી રહેશે, જેનાથી પશુધનનું આરોગ્ય જળવાશે અને પશુપાલન વ્યવસાયને નવો વેગ મળશે.
મંજૂર કરાયેલા મુખ્ય માર્ગો:
રૂ. 2 કરોડ 5 લાખની મંજૂરી: મોઢવાડાથી કેશવ, પાલખડા અને શીશલી સુધીનો સુવિધાપથ.
રૂ. 1 કરોડની મંજૂરી: બગવદર, મીંયાણી, એમ.ડી.આર. માર્ગ અને મોઢવાડાથી કેશવ સુધીનો સુવિધાપથ.



