કમોસમી વરસાદથી ઉભી થયેલી નુકસાનની પરિસ્થિતી અંગે ખેતરમાં જઈ નિરીક્ષણ કર્યું
ગોઠણ સમા પાણીમાં ઉતરી વરસાદી સ્થિતિનો ચિતાર મેળવી ખેડૂતોને હૈયાધારણાં આપતા મંત્રીઓ
- Advertisement -
ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને અર્જુન મોઢવાડિયા અને મંત્રી ડો.પ્રદ્યુમન વાજાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો. મંત્રીઓએ તાત્કાલિક અસરથી જિલ્લામાં પહોંચીને જિલ્લાના સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના પણાદર, પીપળી, છારા, કડોદરા, આલીદર, ડોળાસા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતો સાથે સંવાદ સાધી ખેતરમાં થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી.ગોઠણ સમર પાણીમાં કાદવ-કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈ મંત્રીઓએ પલળેલી મગફળી હાથમાં લઈ નીરિક્ષણ કરી વાતાવરણમાં આવેલા પલટાથી થયેલાં નુકસાનની પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો. ખેડૂતોએ મંત્રીઓ સમક્ષ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન, કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને અનુલક્ષી ઝડપથી સર્વે કરવા, આર્થિક સહાય આપવા તેમજ સત્વરે ખેડૂતલક્ષી પેકેજ જાહેર થાય તે માટેની રજૂઆતો કરી હતી.મંત્રીઓએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરી અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી કરવા માટે ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશ ચૂડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાન બારડ, કાળુભાઈ રાઠોડ, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી, સંજયભાઈ પરમાર, શિવાભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ, ખેતીવાડી, આત્મા પ્રોજેક્ટ, બાગાયત વિભાગના અધિકારીઓ, આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.



