ફરિયાદમાં કોલસાના કૂઆ સંચાલકને બચાવવા ખોટું નામ લખ્યું હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી કોલસાની ખાણો હવે ધમધમી ઉઠી છે તેવામાં તંત્રના ડર વગર ખનિજ માફીયાઓ લાખો રૂપિયાના ખનીજની ચોરી કરી રહ્યા છે ત્યારે ગત 29 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગ દ્વારા મૂળી તાલુકાના ખાખરાળા ગામે સીમ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના કૂવા પર દરોડો કર્યો હતો જે દરોડામાં 5.42 લાખની આસપાસનો મુદ્દામાલ જપ્ત કરી કુલ સાત ઈસમો વિરુધ મૂળી પોલીસ મથકે ગુન્હો પણ નોંધાવ્યો છે પરંતુ ખાણ ખનિજ વિભાગે આ દરોડામાં હાજર નહિ મળી આવેલ કૂવા સંચાલકને બચાવવા બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનું સામે આવ્યું છે જેમાં કોલસાના ગેરકાયદેસર ખનન પર દરોડામાં હાજર મળી આવેલ પ્રકાશભાઈ હકાભાઈ પાટડિયા, પ્રકાશભાઈ થાવરસિંગ ભીલ, પ્રકાશભાઈ રમેશભાઈ બાંભણીયા, તથા ઇમરાન પ્રેમલા ડામોર જ્યારે હજાર નહિ મળી આવેલ હકાભાઇ ધરમશીભાઈ પાટડિયા, યુવરાજભાઈ કાઠી તથા મફાભાઇ વરજાંગભાઈ ભરવાડ હજાર નહિ મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું
- Advertisement -
પરંતુ આ તમામ સાતેય ઈશમોમાં યુવરાજ કાઠી રહે: દુધઈ , તા: મૂળી વાળાનું જે પ્રકારે નામ લખ્યું છે તેના સામે એક મોબાઇલ નંબર પણ ટાંકેલ છે. જેમાં ખાણ ખનિજ વિભાગે કોઈપણ જાતની તપાસ કર્યા વગર યુવરાજ કાઠીનું નામ ફરિયાદમાં લખાવી નાખ્યું પરંતુ દુધઈ ગામે માત્ર એક યુવરાજ કાઠી છે જે હાલ સુરેન્દ્રનગર ખાતે અભ્યાસ કરે છે. જ્યારે આ બાબતે યુવરાજ કાઠીના પિતા દ્વારા ખનિજ વિભાગના કર્મચારી સહિલભાઈ સાથે સંપર્ક કરી સમગ્ર બાબતે પૂછતાં કર્મચારી દ્વારા જણાવ્યું હતું કે ” કોલસાના કૂવા પર દરોડા બાદ ત્યાંથી હાજર મળી આવેલ મજૂરોને કૂવા સંચાલક બાબતે પૂછતાં એક મોબાઇલ નંબર આપેલ હોય અને યુવરાજ કાઠી હોવાનું જણાવેલ ” પરંતુ ખનિજ વિભાગ દ્વારા જે પ્રકારે નામ આપ્યું તેના પર કોઈ તપાસ નહિ કરી ફરિયાદમાં નામ ઉલ્લેખ કરી નાખ્યો હતો. હવે આ અખિય ઘટના ખાણ ખનિજ વિભાગની શરતચૂકથી થયેલ છે કે પછી ખરેખર જોઈ જાણીને ફરિયાદમાં યુવરાજ કાઠીનું નામ ઉમેરી કૂવા સંચાલકને બચાવવા માટેના પ્રયાસ હાથ ધર્યા છે ? જે અંગે ખનિજ વિભાગ સામે અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
આખાય મામલે પર્યાવરણ પ્રેમી રમકુભાઈ કરપડા દ્વારા જણાવ્યું હતું કે ખનિજ વિભાગ દ્વારા બેદરકારી દાખવી કોલસાના કૂવા સંચાલકના નામ બદલાવી ફરિયાદ લખવાના પ્રયાસ ખુબજ ગંભીર બેદરકારી ગણાય છે, આગામી દરોડામાં જો ખનિજ વિભાગને કૂવાના મજૂરો અથવા ઝડપાયેલ ઈસમો અંગત અદાવતમાં કોલસાના ગેરકાયદેસર ખનન સામે લડતા કોઈ જાગૃત વ્યક્તિનું નામ જણાવશે તો ખનિજ વિભાગ તેઓનું નામ પર ફરિયાદમાં ઉમેરશે ?