કોલસો, રેતી, સફેદ માટી, પથ્થર સહિતના ખનિજનું બેફામ ખનન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં રહેલા ખનીજના ભરપૂર ભંડારને લીધે અહીંનો જિલ્લો ખનિજ માફીયાઓ માટે હંમેશા આકર્ષણ ઊભું કરે છે જેથી અનેક ખનિજ માફીયાઓ અહીં ખનિજનું બેફામ ખનન કરીને આજે કરોડોની સંપતિના માલિક પણ બની બેઠા છે. ખાસ કરીને કોલસો, સફેદ માટી, રેતી અને પથ્થર જેવા ખનિજને જમીનના પેટાળમાંથી કાઢીને ખનિજ માફીયાઓ બરોબર વેચી મારે છે જેના લીધે અહીંની પ્રકૃતિને તો નુકશાન થાય છે સાથે જ ગુજરાત સરકારની તિજોરીને પણ મોટું નુકશાન થતું હોય છે તેવામાં થાનગઢ અને મૂળી ખાતે જમીનમાંથી નીકળતો અમૂલ્ય કોલસો વર્ષોથી ખનન થઈ રહ્યો છે. જેમાં બે હજારથી પણ વધુ કુવા અને ઓપન કટીંગ થકી દરરોજ હજારો ટન કોલસાને કાઢવામાં આવે છે કરોડો રૂપિયાનું ખનિજ ચોરી કરવામાં આવે છે. પરંતુ તંત્ર માત્ર હવાતિયાં મારવા સિવાય કોઈ નક્કર કાર્યવાહી કરતું નજરે પડ્યું નથી. તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલિન ભૂસ્તશાસ્ત્રી નીરવ બારોટની નિમણૂક થતા થોડા અંશે ખનિજ માફીયાઓ પર અંકુશ લાદ્યો હતો પરંતુ બાદમાં જ્યારે નીરવ બારોટે પોતાના પદ પરથી રાજીનામું ધરી દેતા ફરીથી ખનિજ માફીયાઓ બેફામ થઈ ચૂક્યા છે. ખનિજ વિભાગની પણ ભૂમિકા ગેરકાયદેસર ખનનની પ્રોત્સાહન પૂરું પાડે તે પ્રકારની નજરે પડે છે. કારણ કે જિલ્લામાં જે ખનન અગાઉ પાંચેક વર્ષથી બંધ હતું તે પણ હવે ખાણ ખનિજની મહેરબાનીથી શરૂ થઈ ચૂક્યું છે.
- Advertisement -
જ્યારે થાનગઢ અને મૂળીમાં પણ કોલસાના ખનન પર ખનિજ વિભાગ નાટ્યાત્મક રૂપે દરોડા કરે છે અને પાછળથી ભીનું સંકેલી તે પ્રકારનું કામગીરી કરી રહી છે બિન વારસી દરોડા દર્શાવી ખનિજ વિભાગ જાણે ખનિજ માફિયાઓને છાવરતુ હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે ખનિજ વિભાગના અધિકારી કહે છે કે જિલ્લામાં ગેરકાયદે ખનન રોકવું અશક્ય છે ! તો પછી નીરવ બારોટની માફક તમે પણ રાજીનામું ધરો જેથી ગુજરાત સરકારની તિજોરી પડતું ભારણ થોડું તો ઓછું થાય ! પરંતુ ખનિજ વિભાગના અધિકારી માટે ક્રીમ જિલ્લો ગણાતું ઝાલાવાડ ખનિજ માફીયાઓ માટે પણ ખનન કરવા માટે મોકળું સાબિત થયું છે ત્યારે હવે તો ગાંધીનગર ખાતે રહેલી મહત્વની બ્રાન્ચ આ ગેરકાયદે ખનનની નોંધ લે અને કાર્યવાહી કરે તો લગભગ આ ખનિજ ચોરી પર થોડા અંશે અંકુશ લાવી શકાય તેવી ચર્ચાઓ પ્રકૃતિ પ્રેમીના મુખેથી સંભળાય રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાં – ક્યાં ખનિજનું ગેરકાયદે ખનન થઈ રહ્યું છે?
(1) કોલસો – થાનગઢ અને મૂળી
(2) રેતી – લીમડી, સુરેન્દ્રનગર, વઢવાણ, મુળી, ધ્રાંગધ્રા(વોશ પ્લાન્ટ)
(3) સફેદ માટી – મૂળી અને ધ્રાંગધ્રા
(4) પથ્થર – મૂળી અને ધ્રાંગધ્રા
(5) બ્લેક ટ્રેપ – સાયલા