દંડ આપવા છતાંય ખનિજ માફિયાઓના વૉશ પ્લાન્ટ ધમધમ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ બેફામ નજરે પડે છે આ ખનિજ માફીયાઓ ખનિજ વિભાગને પણ ગાંઠતા ન હોય તેવું જિલ્લાના વિસ્તારમાં જોવા મળે છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટ ધમધમે છે જે અંગે “ખાસ ખબર” દ્વારા હાલમાં જ અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો આ અહેવાલના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાનું ખનિજ વિભાગ સફાળું જાગ્યું હતું અને જેગડવા ગામે ચાલતા ગેરકાયદેસર રેતી વોશપ્લાન્ટ પર દરોડો કરી આશરે 2.50 લાખનો દંડ પણ ફટકાર્યો હતો
- Advertisement -
પરંતુ આ તમામ ગેરકાયદેસર રેતી વોશના પ્લાન્ટ હજુય ધમધમી રહ્યા છે. આ ખનિજ માફિયાની એટલી દાદાગીરી છે કે ખનિજ વિભાગ દ્વારા દંડ આપવા છતાંય પણ મનમાં કોઈપણ પ્રકારનો ડર દેખાતો નથી અને પોતાના ગેરકાયદેસર વોશ પ્લાન્ટ હજુય યથાવત રાખ્યા છે તેવામાં જો ખનિજ માફિયા ખાણ ખનિજ વિભાગને પણ ગાંઠતા ન હોય તો પછી સામાન્ય ગ્રામજનો સામે તો કેવા પ્રકારની દાદાગીરી કરતા હશે ? ત્યારે હાલ તો જેગડવા ગામે દરોડા દરમિયાન ખનિજ વિભાગના સામે ચાલતા ગેરકાયદેસર વોશ પ્લાન્ટને દંડ આપી કોઈપણ પ્રકારનો મુદામાલ કબ્જે કર્યા વગર કામગીરી કરતા કર્મચારીઓ સામે પણ અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે.