ગુજરાત હાઇકોર્ટના હુકમ છતાં ખીરસરામાં ‘ચિત્રકુટ સ્ટોન ક્રશર’ બેફામ: સરકારી જમીનમાં ખનીજ ચોરી પર તંત્રની ‘મીઠી નજર’?
DILRના માપણી રિપોર્ટમાં પણ ગેરકાયદે બાંધકામ અને ખોદકામ સાબિત, તેમ છતાં ખાણ-ખનીજ વિભાગ મૌન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ખીરસરા ગામે આવેલ રે.સ.નં. 412 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં ચાલતા શ્રી ચિત્રકુટ સ્ટોન ક્રશર પ્લાન્ટ વિરુદ્ધ ગેરકાયદેસર ખનીજ ખનન અને બ્લાસ્ટિંગની પ્રવૃત્તિઓ મામલે ગંભીર સવાલો ઊભા થયા છે. સને-2000ની સાલથી સરકારી જમીનમાં ક્રશર પ્લાન્ટ, ખાણકામ અને બાંધકામ ઊભું કરીને ચલાવાતું હોવા છતાં અને ગુજરાત હાઈકોર્ટે કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કર્યા હોવા છતાં, તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ પગલાં લેવાયા નથી.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક જાગૃત નાગરિકે આ બેફામ ખનીજ ચોરી સામે ખાણ-ખનીજ શાખામાં અરજીઓ કરી હતી, પરંતુ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં આખરે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ પીટીશનના સંદર્ભે હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હતો કે, શ્રી ચિત્રકુટ સ્ટોન ક્રશર પ્લાન્ટને ફાળવેલ જગ્યા, ખોદકામ, બ્લાસ્ટિંગ અને માઇનિંગ કામ બાબતે 60 દિવસમાં યોગ્ય તપાસ કરી કાયદેસરના પગલાં લેવામાં આવે.
હાઇકોર્ટના હુકમ બાદ ખાણ-ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી અને ડી.આઈ.એલ.આર. (જિલ્લા નિરીક્ષક જમીન દફતર) દ્વારા સ્થળની માપણી કરાવવામાં આવી હતી. તા. 11/07/2025ના રોજ માપણી કરવામાં આવ્યા બાદ તા. 22/08/2025ના રોજ તૈયાર થયેલી માપણીશીટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.
ડી.આઈ.એલ.આર.ની માપણીશીટમાં સ્પષ્ટપણે ખુલાસો થયો હતો કે, શ્રી ચિત્રકુટ સ્ટોન ક્રશરના પ્રો. દિનેશભાઈ જે. કરંગીયા દ્વારા ક્રશર પ્લાન્ટ, ખોદવામાં આવેલી ખાણો, ઇલેક્ટ્રિક કનેક્શન રૂમ, મકાન, વે-બ્રિજ તેમજ ઓરડીઓ સહિતનું તમામ બાંધકામ અને ખોદકામ રે.સ.નં. 412 પૈકીની સરકારી ખરાબાની જમીનમાં જ આવેલ છે.
માપણીમાં ગેરકાયદેસરતા સાબિત થયા બાદ પણ આજદિન સુધી તંત્ર દ્વારા ક્રશર પ્લાન્ટ બંધ કરાવવામાં આવ્યો નથી કે તેમની વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. આના પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે, આ શ્રી ચિત્રકુટ સ્ટોન ક્રશર તંત્રની ‘મીઠી નજર’ હેઠળ ચાલતું હોય અને તેના પર કોઈ મોટા માથાનો આશીર્વાદ હોય તેવી સંભાવના છે.
ખાણ-ખનીજ વિભાગ અને ભૂસ્તરશાત્રીની કચેરી દ્વારા હાઇકોર્ટના હુકમ અને માપણીશીટના પુરાવા હોવા છતાં પગલાં ન લેવાતાં, ગેરકાયદેસર બ્લાસ્ટિંગ અને માઇનિંગના કામોને પ્રોત્સાહન મળી રહ્યું હોવાનું સ્પષ્ટપણે જણાય છે.
જાગૃત નાગરિક દ્વારા અરજીઓ કરવા છતાં વિભાગ દ્વારા માત્ર નોટિસો આપીને સંતોષ માનવામાં આવ્યો છે, જે ખીરસરા સહિત અનેક સરકારી જગ્યામાં ચાલતા માઇનિંગ કામોમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની સંડોવણી હોવાની શક્યતા દર્શાવે છે.
જો આ ગેરકાયદેસર પ્લાન્ટ વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ હાઇકોર્ટના હુકમનો અનાદર (ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ) બદલ કાર્યવાહી થઈ શકે છે, તેવું જાણવા મળેલું છે.