રાત્રીના અંધારામાં કોલસાનો કાળો કારોબાર કરતા માફિયાઓ સક્રિય થયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજમાં બેફામ ખનન રોકવા માટે તંત્રનો એક પણ અધિકારી સક્રિયતા દર્શાવતા નથી અને જે સક્રિયતા દર્શાવે છે તેઓને ક્યાંકને ક્યાંક પોતાના જ સ્ટાફના કર્મચારીઓ અવળા રવાડે ચડાવી દરોડા થોડા સમય પૂર્વે જ જાણ કરી બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી પંથકમાં છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી કોલસાની ખનિજ ચોરી માટે એક અધિકારીની નિષ્ઠા પૂર્વક કામગીરીને લીધે સદંતર બંધ થાય તેમ માનવી લગભગ અશક્ય છે. તેવામાં વરસાદી સિઝન પૂર્ણ થવાના લીધે હવે જિલ્લાના થાનગઢ અને મૂળી પંથકમાં કોલસાની શરૂ થવા જઈ રહી છે. ગત વર્ષે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા એક બાદ એક કોલસાના કારોબાર પર દરોડા કરી ખનિજ માફિયાઓને ભોભેગા કરી દીધા હતા પરંતુ તેવામાં વરસાદી સિઝન પણ શરૂ થનાર હતી જેના લીધે ખનિજ માફીયાઓ દ્વારા કોલસાની ખાણોમાં પાણી ભરવાને લીધે ખનન બંધ કરાયું હતું પરંતુ દર વર્ષની માફક આ વર્ષે પણ કોલસાની સુઝન શરૂ થતા હવે ખનિજ માફીયાઓ ટૂંકા વિરામ બાદ ફરીથી મેદાને આવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં છાના ખૂણે કોલસાની ખાણો પણ શરૂ કરી છે. હાલ સીઝનની શરૂઆતમાં કોલસાની ખાણોમાંથી વરસાદી પાણી કાઢવાનું કામ ચાલુ છે પરંતુ આ બાદ હવે કોલસાની સિઝન શરૂ થશે જોકે વર્તમાન સમયમાં દરરોજ રાત્રીના સમયે થાનગઢ અને મૂળી પંથકના છૂટાછવાયા વિસ્તારોમાં રાત્રિના સમયે કોલસાનું ખનન શરૂ કરવામાં આવે છે.
- Advertisement -
સાયલા અને મૂળીના સીમાડે કોલસાની 15 ખાણો ધમધમી ઉઠી
સાયલા તાલુકાના ચોરવીરા અને મૂળી તાલુકાના ઉમરડા ગામના સીમાડે કોલસાની 15 જેટલી ખાણો શરૂ થઈ છે. મોદી રાત્રીએ આ ગેરકાયદેસર ખાણો શરૂ થાય છે અને આખીરાત કોલસાના ખનનની પ્રક્રિયા ચાલતી રહે છે.
ખનિજ માફિયાઓને એક કર્મચારી મીઠો “સાકર” જેવો લાગે છે !
- Advertisement -
એક તરફ ચોટીલા પ્રાંત અધિકારી કોલસાના ગેરકાયદેસર ખનનને રોકવા દિવસ રાત મહેનત કરી રહ્યા છે તો બીજી તરફ એક કર્મચારી ખનિજ માફીયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ કર્મચારી કોલસાનું ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓને “સાકર” માફક મીઠો લાગે છે.