ઘોડી પાસાના જુગાર પર પોલીસની
ચાંપતી નજર : જેવી મોટી પાટ મંડાણી કે પોલીસ આવી પાટ ખંખેરી રવાના!
લોહાનગરમાં ધમધમતી ઘોડી પાસાની ક્લબ
- Advertisement -
રાજકોટમાં સટ્ટો, તિનપત્તી, ઘોડી પાસા તેમજ વરલી ફિચરના આંકડા લખી જુગાર રમવા અને રમાડવાનો ધંધો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. ખાસ-ખબર દ્વારા કરવામાં આવેલા એક સ્ટિંગ ઓપરેશનમાં રાજકોટ એ ડિવિઝન પોલીસસ્ટેશન વિસ્તારના લોહાનગરમાં જાહેરમાં ઘોડી પાસાની ક્લબ ચાલતી હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખાસ-ખબર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં જોઈ શકાય છે કે, રાજકોટના ઉદ્યોગનગર નજીક આવેલા લોહાનગરના એક રોડ પર જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે, કોઈ ખોફ વિના ખેલંદાઓ ઘોડી પાસાનો જુગાર રમતા પણ આ સ્ટિંગ ઓપરેશનમાં જોઈ શકાય છે. રાજકોટમાં દિન-પ્રતિદિન દારૂ-જુગારનું દૂષણ વધી રહ્યું છે ત્યારે જાહેરમાં ધમધમતી ઘોડી પાસાની ક્લબો પર પોલીસે તવાઈ બોલાવવી જરૂરી છે.
લોકલ પોલીસ વારંવાર આવીને તોડ કરી જાય છે!
એ ડિવિઝન પોલીસસ્ટેશન વિસ્તારના લોહાનગરમાં જાહેરમાં રમાતી ઘોડી પાસાની ક્લબ પર પોલીસની ચાંપતી નજર છે. આ ક્લબ ચાલવા દેવા માટે સ્થાનિક પોલીસ હપ્તો નથી ઉઘરાવતી પરંતુ જ્યારે પણ મોટી પાટ રમાતી હોય છે ત્યારે પોલીસ નાટકીય અંદાજમાં એન્ટ્રી કરી રેઈડ પાડે છે અને પાટની બધી રકમ લઈ જાય છે! સ્થાનિક પોલીસ દ્વારા પાડવામાં આવેલી છેલ્લી રેઈડમાં આશરે 14 લાખ જેટલી રકમ પાટમાંથી લઈ જવામાં આવી હતી. આ પરથી અંદાજ લગાવી શકાય છે કે, લોહાનગરમાં ચાલતી ઘોડી પાસાની ક્લબ કેટલી મોટી હશે, આ ક્લબમાં કેટલા ખેલંદાઓ હશે, ક્લબનો એક પાટલો કેટલા રૂપિયાનો હશે અને એકાદ પાટલા પર રેઈડ પાડીને જુગારીને જતા કરી દેવામાં તથા પાટલાની રકમ ઘરભેગી કરવામાં પોલીસને કેટલી આવક થતી હશે.
CP કોઈપણ હોય, જુગારની બદી હટાવી શકે તેવા બહાદુર કોઈ નથી
રાજકોટના ભૂતપૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હોય કે તેમના બાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ હોય કે પછી વર્તમાન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ હોય.. વર્તમાન સહિત છેલ્લા બે પોલીસ કમિશનર રાજકોટમાંથી જુગારની બદી દૂર કરવાની બહાદુરી દર્શાવી શક્યા નથી. દિન-પ્રતિદિન રાજકોટમાં દારૂ ઉપરાંત જુગારની બદીએ માજા મૂકી અનેકોના ઘર-સંસાર તબાહ કરી મૂક્યા છે ત્યારે રાજકોટમાં દારૂ-જુગારના દૂષણ કરવા માટે ગૃહમંત્રાલયમાંથી જ કોઈ કડક પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.
- Advertisement -
ખાસ-ખબર સ્ટિંગ ઓપરેશન : રાજકોટનાં લોહાનગરમાં જાહેરમાં ઘોડી પાસાનો રમાતો જુગાર જોવા અહીં ક્લિક કરો…