ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
પોષક તત્વોથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે વિશેષ ફાયદારૂપ એવા આપણા પરંપરાગત બાજરી, જુવાર, રાગી, કાંગ વગેરે જાડા ધાન્ય લોકો અપનાવવા માટે પ્રેરિત થાય તેવા આશય સાથે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ ખાતે તા. 21 તથા 22 માર્ચના રોજ મિલેટ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મિલેટ એક્ષ્પોના સુચારું આયોજન સંદર્ભે જૂનાગઢ મનપા કમિશનર તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી, જેમાં મિલેટ એક્ષ્પોના આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ કરવા સંદર્ભે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સરદાર બાગ સ્થિત ઝાંસીની રાણી સર્કલ પાસે હવેલી વાડીના ગ્રાઉન્ડમાં બે દિવસીય મિલેટ મેળામાં 50 જેટલા સ્ટોલ્સના માધ્યમથી વેચાણ પ્રદર્શન રાખવામાં આવશે. ખાસ કરીને આ સ્ટોલ્સના માધ્યમથી જુદા જુદા પરંપરાગત મેલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ – વાનગીઓ ઉપરાંત મિલેટ્સ થતા આરોગ્યના ફાયદાઓને ઉજાગર કરવામાં આવશે. મિલેટ્સ બેઇઝ્ડ રેડી ટુ ઇટ, અવનવી ખાણીપીણી માટે લાઈવ ફૂડ આઈટમ વગેરે પણ રાખવામાં આવશે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોના ઉત્પાદનો, સખી મંડળના બહેનોની હાથ બનાવટની કલાત્મક વસ્તુઓ વગેરેનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. આ ઉપરાંત આઈ.સી.ડી.એસ., આયુર્વેદ, કૃષિ યુનિવર્સિટી સહિતના વિભાગના પણ સ્ટોલ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મિલેટ યર -2023 અને મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મિલેટ્સનો આહારમાં વધુ ઉપયોગ કરે અને લોકોનું જીવન તંદુરસ્ત બને તેવા શુભઆશય સાથે જૂનાગઢ સહિત રાજ્યની 17 મહાનગરપાલિકમાં મિલેટ એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.



