ઇકો ડ્રાયવરને ગભરામણ થતાં ડ્રાઇવિંગ સીટ છોડી નીચે ઉતર્યા ત્યાં જ ઢળી પડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં વધુ બે લોકોના હ્રદય રોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાં છે શહેરના કોઠારીયા રોડ પર તિરૂપતી બાલાજી સોસાયટીમાં રહેતાં રમેશભાઇ ભાદાભાઇ ગોંડલીયા નામના 48 વર્ષીય પ્રૌઢ શાપર હતાં ત્યારે એકાએક ઢળી પડતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ તબીબોએ હાર્ટએટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં રમેશભાઇ શાપરમાં આવેલ જય મેટલ કંપનીમાં નોકરી કરતાં હતાં. ગત સાંજે તે ઇકો ગાડીમાં મજૂરોને મુકવા માટે નીકળ્યા ત્યારે ગાડીમાં બેઠા એ સાથે જ એકાએક ગભરામણ થવા લાગતાં સાથેના બીજા વ્યક્તિને મારાથી ગાડી નહિ ચાલે તું ચલાવી લે તેમ કહ્યું હતું અને ડ્રાઇવીંગ સીટ પરથી નીચે ઉતરવા જતાં જ ઢળી પડયા હતાં અને બેભાન થઇ જતાં તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજયું હતું. મૃતક ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાના અને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. મૂળ બિહારના વર્ષોથી રાજકોટના ગોંડલ રોડ પર વાવડી વિશ્વકર્મા સોસાયટીમાં સ્થાયી થયેલા રામાવતીબેન રાજનભાઇ રવાની નામના 47 વર્ષીય મહિલાને રાત્રે અચાનક શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું પ્રાથમિક તપાસમાં તેણીને છ મહિના પહેલા પણ હાર્ટએટેક આવ્યો હોવાનું અને સંતાનમાં એક પૂત્ર હોવાનું જાણવા
મળ્યું છે.