મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ ગણાય છે. આથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આવે છે. રાજકોટમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે હાલ મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલય કાર્યરત છે. જેનું બિલ્ડિંગ જુનું થઈ ગયેલ હોવાથી નવું બાંધકામ કરવું અનિવાર્ય હતું. વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું અને વિદ્યાર્થીઓની રજૂઆત પણ સાંભળી વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે અભ્યાસ ન બગડે તે માટે 350 જેટલા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અધિકારીઓને જરુરી સૂચના આપી હતી. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના અભ્યાસમાં અસર ન પડે તે માટે મંત્રી દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાઈ હતી.
- Advertisement -
જે બાબતે મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય, રાજકોટના યુનિટ-1 અને 2 ના બાંધકામ માટે કુલ રકમ 2,430.40 લાખના લાખના એસ્ટીમેટને ખાસ કિસ્સામાં મંજૂરી આપી છે. તદ્ અન્વયે છાત્રો માટે બન્ને યુનિટ મળી 400 વિદ્યાર્થીઓની ક્ષમતા તેમજ અત્યાધુનિક સુવિધા ધરાવતું છાત્રાલયનું કામ શરૂ કરવામાં આવશે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયનો મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આભાર માન્યો હતો.