ઓસ્ટ્રેલિયાની જેમ કેનેડાએ ઑનલાઈન ન્યૂઝ એક્ટ રજૂ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
કેનેડામાં મેટાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સમાચારને બ્લોક કરવાનું શરૂૂ કર્યું છે. મેટાએ આ નિર્ણય તે કાયદાના વિરોધમાં લીધો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ સમાચારના બદલામાં સમાચાર પ્રકાશકોને પૈસા ચૂકવવા પડશે. નવા નિયમ ફેસબુક, ગૂગલ અને ટ્વિટર સહિત તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પર લાગુ થશે. ગૂગલે પણ આવી જ ચેતવણી આપી છે.
- Advertisement -
મેટાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ પબ્લિશર્સ દ્વારા શેર કરવામાં આવેલી ન્યૂઝ લિંક બ્લોક કરી દેવામાં આવી છે અને તે કોઈપણ યુઝર્સને દેખાશે નહીં. આ સિવાય મેટાએ આ બંને પ્લેટફોર્મ પર ન્યૂઝ શેર કરવાનું પણ બંધ કરી દીધું છે. મેટાએ જણાવ્યું હતું કે તે ગઈકાલે શરૂૂ થયું હતું અને કેટલાક અઠવાડિયા સુધી ચાલશે, જોકે એક સમાચાર એજન્સીના રિપોર્ટરે ફેસબુક પર સમાચાર જોયા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ઘણા યુઝર્સે સમાચાર લિંક્સ બ્લોક હોવાનો દાવો કર્યો છે.
ઓસ્ટ્રેલિયાની જેમ કેનેડાએ ઓનલાઈન ન્યૂઝ એક્ટ રજૂ કર્યો છે જેનો હેતુ કેનેડિયન મીડિયાને ટેકો આપવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ઘણા મીડિયા હાઉસ બંધ થયા છે અને ઘણાને લાખો ડોલરનું નુકસાન થયું છે. નવા કાયદા અનુસાર સોશિયલ મીડિયા કંપનીઓએ મીડિયા હાઉસ સાથે ભાગીદારી કરવી પડશે અને સમાચારના બદલામાં પૈસા ચૂકવવા પડશે. કેનેડાના સંસદીય બજેટ વોચડોગના અંદાજ મુજબ કેનેડિયન અખબારો નવા કાયદા હેઠળ ડિજિટલ પ્લેટફોર્મ પરથી દર વર્ષે આશરે રુપિયા 2,719 કરોડ મેળવી શકે છે. મેટા કહે છે કે મીડિયા હાઉસને તેના પ્લેટફોર્મ પર સમાચાર શેર કરવાથી ફાયદો થાય છે. તેમને નવા વાચકો મળે છે અને તેમના સમાચાર વૈશ્ર્વિક સ્તરે પહોંચે છે. તેથી વધારાના પૈસા ચૂકવવાનો કોઈ અર્થ નથી.