મેસ્સીએ બાર્સેલોના સાથે છેડો ફાડ્યો?
મેસ્સીએ બાર્સેલોના ક્લબ માટે 778 મેચોમાં 672 ગોલ કર્યા છે
2017નાં કોન્ટ્રેક્ટમાં મેસ્સીને 1200 કરોડ રૂપિયા મળ્યા
મેસ્સીએ સ્પેનિશ લીગમાં સૌથી વધુ 30 ગોલ કર્યા હતા અને ટીમને કોપા ડેલ રે ટાઇટલ જિતાડ્યું હતું. મેસ્સીએ વર્ષ 2017માં બાર્સેલોના સાથે કોન્ટ્રેક્ટ સાઇન કર્યો હતો. જેમાં તેને એક સીઝન માટે 164 મિલિયન ડોલર એટલે કે 1200 કરોડ રૂપિયા મળ્યા હતા.
આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો બાર્સેલોના સાથે 30 જૂને કોન્ટ્રેક્ટ પૂરો થઈ ગયો છે. હવે મેસ્સીનો આગળ શું પ્લાન હશે એ અંગે કોઇને માહિતી મળી નથી. અત્યારે કોન્ટ્રેક્ટ અંગે ક્લબ અને મેસ્સી વચ્ચે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. મહત્ત્વની વાત એ છે કે 2019-20માં મેસ્સીએ ક્લબથી અલગ થવાની વાત કરી હતી, એવામાં ફૂટબોલ ફેન્સ પણ એ જ વિચારમાં છે કે શું મેસ્સી ફરીથી કોન્ટ્રેક્ટ સાઇન કરશે કે પછી અન્ય ક્લબ સાથે જોડાશે? 2019-20 પછી ક્લબનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે. ટીમને ચેમ્પિયન્સ લીગમાં બાયર્ન મ્યુનિખના હાથે ક્વાર્ટર ફાઇનલમાં 8-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બાર્સેલોનાના ઇતિહાસમાં ક્લબ અને મેસ્સીની સૌથી મોટી હાર હતી. ત્યાર પછી ટીમને નવો કોટ અને નવો પ્રેસિડેન્ટ પણ મળી ગયો છે. મેસ્સી સાથે વિવાદોમાં સપડાયેલા જોસેપ બાર્ટોમ્યુને કાઢી મુકાયો છે. અત્યારે પ્રેસિડેન્ટ જોઆન લાપોર્ટાના મેસ્સી સાથે સારા સંબંધો છે. મેસ્સીએ જ્યારે કરિયરની શરૂઆત કરી હતી ત્યારે પણ તેઓ બાર્સેલોનાના પ્રેસિડેન્ટ હતા. તેમણે જણાવ્યું હતું કે મેસ્સી નવો કોન્ટ્રાક્ટ સાઇન કરી શકે છે. ભલે ગત વર્ષે ક્લબ સાથે એને થોડું ઘર્ષણ થયું હતું પરંતુ મેદાનમાં એનું પ્રદર્શન યોગ્ય રહ્યું હતું.