ગોંડલની 181 અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી પરિજનોનો સંપર્ક કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રવિવારે દડવી ગામથી અજાણી મહિલા અંગે ફોન આવ્યો, સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. મહિલા થોડી ગભરાયેલી લાગતી હતી, ને આપણી ભાષા પણ સમજે નહીં. હિન્દી પણ નહીં. માત્ર તમિલ ભાષા આવડે. જે આપણને ન સમજાય. મહિલાને કંઈ પણ પુછીયે તો માત્ર તમિલ બોલે, પણ સમજવું કેમ ? આ શબ્દો છે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન સ્થિત 181 અભયમ ટીમના કાઉન્સેલર લતાબેનના.
અમે મહિલાની ઓળખ મેળવવા નામ, નંબર સહિતની વિગતો કાગળ પર લખાવી. જેનો ગુગલ ટ્રાન્સલેશન દ્વારા ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ વિગત પરથી પીડિતાના પરિવારજનો સાથે સફળતાપૂર્વક સંપર્ક કરી મહિલાનું પરિવાર સાથે મિલાન કરાવ્યાનું કાઉન્સેલર લતાબેન જણાવે છે. 181 ટીમના કાઉન્સેલર લતાબેન ચૌધરી, એ.એસ.આઈ. પરવાનાબેન અને પાયલોટ વિશાલભાઈ જણાવ્યુ કે, જામકંડોરણાના દડવી ગામથી 181 પર કોલ આવ્યો કે એક અજાણી મહિલા મળી આવી છે. ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. જાણવા મળ્યુ કે પીડિત મહિલા બપોરના 12 વાગ્યાના દડવી ગામના બસ સ્ટેશન પર બેઠા છે. પૂછપરછ કરતા કંઈ જણાવતા નહોતા અને ગભરાયેલા હોય તેવું લાગતા 181 અભયમમાં કોલ કરી મદદ માંગી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. અભયમ ટીમે પીડિત મહિલાના પતિ અને દીકરી સાથે વાત કરી. પીડીતાએ આપેલા નંબર પર વિડીયો કોલ કરી પીડિતાને એમના પતિ સાથે વાત કરાવી હતી. ટીમને પીડિતાના પતિ સાથે ચર્ચા કરતા જાણવા મળ્યું હતું કે, તીરૃવલીના વતની પીડિતાની માનસિક સ્થિતિ સારી નથી અને 15 દિવસથી તેના પત્ની ઘરેથી નીકળી ગયા છે. અમે ગુમશુદાની ફરિયાદ તીરૃવલી પોલીસ સ્ટેશનમાં દસ દિવસ પહેલા લખાવેલી છે. અમે લેવા આવીએ ત્યાં સુધી સલામત જગ્યાએ આશ્રય અપાવવા વિનંતી છે. અભયમ ટીમ દ્વારા પીડિતાને જામકંડોરણા પોલીસ સ્ટેશન લઈ જઈ બનાવની નોંધ કરાવી પોલીસ સ્ટેશનના પી.આઈ. ને સમગ્ર બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. પી.આઈ. દ્વારા તીરૃવલી પોલીસ સ્ટેશનમાં ફોન કરી પીડિતાની માહિતી તથા ફોટો મોકલાવી ખરાઇ કરવામાં આવી હતી.