મંત્ર ફાઉન્ડેશન મનોદિવ્યાંગ બાળકોને અભ્યાસની સાથે ડાન્સ, યોગા, મ્યુઝિક, કુકિંગ, કોમ્પ્યુટર, આર્ટ એન્ડ ક્રાફટ શીખવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
માણસની તાકાત તેના આત્મામાં હોય છે અને આત્મા કોઈ દિવસ દિવ્યાંગ હોતો નથી. આ જ તાકાતથી રાજકોટના મનોદિવ્યાંગ સ્વિમરે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ મેળવી ચૂકેલા અને પ્રધાનમંત્રી એવોર્ડ વિજેતા મંત્ર હરખાણી દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે સ્વિમિંગ કોચિંગ શરૂ કરવામાં આવ્યું છે. મનોદિવ્યાંગ બાળકોને મનોદિવ્યાંગ કોચ દ્વારા સ્વિમિંગની પ્રેક્ટિસ કરાવાતી હોય તેવું સર્વપ્રથમ વખત બન્યું છે. જેમાં હાલ 15 જેટલાં બાળકો સ્વિમિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. મંત્રના સુપર મોમ બિજલબેન કે જેઓ મંત્ર ફાઉન્ડેશન હેઠળ મનોદિવ્યાંગ બાળકોને અભ્યાસની સાથે ડાંસ, યોગા, મ્યુઝિક, કુકિંગ, કોમ્પ્યુટર, આર્ટ એન્ડ ક્રાફટ શીખવે છે. તેમના દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત મનોદિવ્યાંગ બાળકો માટેના અભ્યાસક્રમની રચના કરી છે. હવે મંત્રનું સ્વપ્ન પેરા ઓલમ્પિકમાં ભારતનું નામ વિશ્વ સ્તરે રોશન કરવાનુ છે.
મંત્રએ જ્યારે સિદ્ધિઓ મેળવી ત્યારે તેને કોચ બનવાની ઈચ્છા જાગી. જેથી તેમના દ્વારા મનોદિવ્યાંગ બાળકોને સ્વિમિંગનુ કોચિંગ આપવામાં આવે છે. હાલ 15 જેટલાં મનોદિવ્યાંગ બાળકો અહીં સ્વિમિંગની તાલીમ માટે આવે છે. જેમાં આસિસ્ટન્ટ કોચ તરીકે મંત્ર આ બાળકોને સ્વિમિંગ શીખવે છે. મંત્ર જન્મથી જ દિવ્યાંગ છે. હાલ તે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. સ્વિમિંગમાં તેમને વૈશ્વિક સ્તરે નામના મેળવી છે અને સી સ્વિમિંગ એટલે કે, દરિયામાં પણ સ્વિમિંગ કરી ચૂક્યો છે. તેમની આ સિદ્ધિ માટે મંત્રને પ્રધાનમંત્રી એવોર્ડ પણ મળેલો છે. હાલ તે પેરા સ્વિમિંગની તૈયારી પણ કરો રહ્યો છે. મંત્રને ડાન્સ, સ્વિમિંગ અને યોગા સહિતની ગેમમાં પણ રસ છે.
મંત્ર ફાઉન્ડેશનનો હેતુ એ જ છે કે જો એક મનોદિવ્યાંગ બાળક આટલું કરી શકે તો અન્ય બાળકો શા માટે ન કરી શકે. હાલ આ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકો માટે હોબી સેન્ટર શરૂ કરવામાં આવેલું છે. મંત્રએ સ્વિમિંગના ઘણા નેશનલ કેમ્પમાં ભાગ લીધેલો છે. બાદમાં તેમનું 16 વર્ષની ઉંમરે ઞઅઊ ખાતે સ્પેશિયલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં 190 દેશો સામે ભારતનું પ્રતિનિધિત્વ કરી સ્વિમિંગમાં 2 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા અને સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો.
મંત્રમાંથી પ્રેરણા મેળવી તેમના વાલી દ્વારા 2016માં મંત્ર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. મંત્ર ફાઉન્ડેશન ખાતે છેલ્લા ઘણા વર્ષોથી વિશિષ્ટ બાળકોને વિશિષ્ટ શિક્ષણ, દરેક પ્રકારની થેરાપી અને રમત ગમતની તાલીમ આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી અહીં વિશિષ્ટ બાળકોને ડાંસ, યોગા, મ્યુઝિક, કુકિંગ, કોમ્પ્યુટર, આર્ટ એન્ડ ક્રાફટ વગેરે શીખવવા હોબી સેન્ટર પણ શરૂ કરવામાં આવેલ છે.
છેલ્લા 2 વર્ષથી અન્ય પ્રવૃત્તિઓની સાથે સ્વિમિંગ બેચ પણ શરૂ કરવામાં આવેલ છે. વિશિષ્ટ બાળકો માટે સ્વિમિંગ માત્ર એક પ્રવૃતિ નથી પણ તેનાથી તેમના સ્નાયુ મજબૂત થાય છે, એકાગ્રતા વધે છે, શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે, તેમના વર્તનમાં સુધારો આવે છે, ચંચળતા ઘટે છે, સ્વિમિંગ તેમનામાં માનસિક શાંતિ કેળવી તેમનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે.