રાજકોટમાં લદાયેલી અઘોષીત કટોકટીનો સામનો કરી મેવાણીએ ભાજપના કહેવાતાં ગઢના કાંગરા ખેરવી નાખ્યાં છે અને મસમોટાં ગાબડાં પણ પાડી દીધાં છે
એક તરફ મહિનાથી ભાજપીઓ તંત્રની મદદથી અગ્નિકાંડના સત્ય-તથ્યને દબાવવા મરણિયા બન્યા છે, ઘટનાના ત્રીસ દિવસ બાદ પણ કોઈ નેતા ત્રીસ સેક્ધડની બાઈટ આપવા તૈયાર નથી તો બીજી તરફ જીજ્ઞેશ મેવાણી જેવા નેતાઓએ પીડિતોથી લઈ પ્રજાનો અવાજ બુલંદ બનાવ્યો છે. જીજ્ઞેશ મેવાણી છેલ્લા ત્રણેક અઠવાડિયાથી રાજકોટમાં રહીને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે તો રાજકોટને પોતાનો ગઢ ગણાવતા ભાજપીઓ ગઢના જ કોઈ ભોંયરામાં છૂપાઈ ગયા છે. વોર્ડનો કાર્યકર તો ઠીક કોઈ અગ્રણી પણ આ મામલે આગળ આવી પીડિત પરિવારના હાલ પૂછવાની હિંમત ધરાવતો નથી. આ સમયે જીજ્ઞેશ મેવાણીએ દાખવેલી હિંમત કાબિલેદાદ છે.
- Advertisement -
આજથી બરાબર ત્રીસ દિવસ પૂર્વે રાજકોટના ઈતિહાસમાં એક એવી દુ:ખદ દુર્ઘટના બની હતી જેણે રંગીલા રાજકોટને એવા રુદન અને રોષની લાગણીમાં ગરકાવ કરી દીધા જેમાંથી કદાચ ક્યારેય કોઈ રાજકોટવાસી બહાર નહીં આવી શકે. કાલાવડ રોડ નજીક ટીઆરપી ગેમઝોનમાં મજા માણવા ગયેલા લોકોને કલ્પના પણ નહીં હોય કે તેઓ ભ્રષ્ટ અધિકારીઓ-પદાધિકારીઓના પાપે ટૂંક સમયમાં બળીને ખાખ થઈ જશે, તેમના ભડથું થઈ ગયેલા દેહ તેમના પરિવારને પણ નસીબ નહીં થાય. તેમની પાછળ લોકો સ્વયંભુ બંધ પાળશે. એ દિવસ અને આજની ઘડી. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં હોમાઈ ગયેલા 28 લોકો અને તેમના પરિવારજનો સહિત આખુંય રાજકોટ હતાશ છે, નિરાશ છે. આટલી મોટી ઘટના પછી કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા ત્રીસ દિવસ બાદ ફરી રાજકોટ જાણે સ્વયંભુ બંધ હોય તેવો માહોલ છે. હસતું, રમતું અને સતત ધમધમતું રાજકોટ આજે ફરી એકવાર થંભી ગયું છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિ પર રાજકોટ સજ્જડ બંધ છે. ગેમઝોનની આગ ઠરી ગઈ છે પણ રાજકોટવાસીઓમાં તંત્ર-સરકાર સામે રોષની જ્વાળા હજુ ભભૂકી રહી છે. ખાસ કરીને નગરસેવકો અને જનપ્રતિનિધિ વિરુદ્ધ. કારણ કે 365 દિવસમાંથી 366 દિવસ રોડરસ્તા, પેવરબ્લોક, ઉદ્દઘાટનની પ્રેસનોટ મોકલતા કોર્પોરેટર-ધારાસભ્યો મૌન છે.
પંડિત દીનદયાળથી લઈ શ્યામાપ્રસાદ મુખર્જી સુધીના સંઘ-ભાજપના નેતાઓની જન્મ-મરણ કે લગ્ન-કૌમાર્યભંગની પાનાં ભરી-ભરી અખબારી યાદી મોકલતા ભાજપીયાઓએ ટીઆરપી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા તેમજ તેમના પરિવાર માટે સાંત્વનાના બે બોલ પણ કહ્યા કે લખી મોકલ્યા નથી. ગેમઝોન અગ્નિકાંડની પ્રથમ માસિક તિથિ સાથે કટોકટીનો કાળો દિવસ છે ત્યારે આજે રાજકોટમાં પણ કટોકટી જેવો માહોલ સર્જાયો છે અને તેમના પાછળ જવાબદાર માત્રને માત્ર સ્થાનિક તંત્રના અધિકારીઓથી લઈ ભાજપ સરકારના નેતાઓ છે.
વડગામથી રાજકોટ આવેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સ્થાનિકોના હમદર્દ બની હરેક સમસ્યા-સવાલો ઉઠાવ્યા છે જેમાં તેમને રોહિતસિંહ રાજપૂત જેવા યુવા નેતાઓનો સાથ-સહકાર મળ્યો છે. હાલ કોંગ્રેસના આ યુવા નેતાઓએ ભાજપ અગ્રણીઓના સત્તાના પાયા ડગમગાવી નાખ્યા છે. ભાજપના ગઢના કાંકરા ખેરવી ગાબડાં પાડી નાખ્યા છે. નોંધનીય છે કે, જે સમયે આ શહેરમાં કોંગ્રેસ સૂતી હતી તે સમયે પોતાના પક્ષને જગાડી પ્રજાની પડખે આવવા જીજ્ઞેશ મેવાણીની હાકલે પંજા-પ્રજામાં પ્રાણ પૂરી દીધા છે. રાજકોટવાસીઓની આંખો ઉઘડી ગઈ છે. ગેમઝોનની દુર્ઘટના બાદ રાજકોટવાસીઓ નીર-ક્ષીરનો ભેદ પારખતા થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે રચેલી એસઆઈટી વિરુદ્ધ પણ સૌપ્રથમ અવાજ જીજ્ઞેશ મેવાણીએ જ ઉઠાવ્યો હતો. મેવાણીની જ મીડિયા સમક્ષની આગાહી મુજબ એસઆઈટીના રિપોર્ટ બાદ હજુ સુધી એકપણ મોટા અધિકારી કે પદાધિકારી પર કોઈ જ પગલાં ભરાયા નથી. ફક્ત તપાસનું નાટક ચાલી જવાબદારીઓ મામલે એકબીજાને ખો આપવામાં આવી રહી છે. ભ્રષ્ટ અધિકારી-પદાધિકારીને સજા કરવાને બદલે સામાન્ય માણસો વિરુદ્ધ કોરડો વિંઝાઈ રહ્યો છે. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ મામલે વેપારીઓની કનડગત કરવામાં આવી રહી છે. આનંદનગરથી લઈ દૂધની ડેરીના હાઉસિંગ ક્વાર્ટરના રહિશોને હેરાન કરાઈ રહ્યા છે. આવા સમયે જીજ્ઞેશ મેવાણીએ રાજકોટવાસીઓને પડખે ઉભા રહી એક ખરા પ્રજાસેવકની ભૂમિકા ભજવી છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકના પરિવારજનો એટલે જ આજે સત્યના પડખે રહી રાજકોટ બંધનું એલાન કોંગ્રેસનું હોવા છતાં સ્વયં બંધ પાળી રહી છે.
- Advertisement -
કોંગ્રેસે રાજકોટમાં અનેક વખત બંધનું એલાન કર્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસનું રાજકોટ બંધનું એલાન સફળ રહ્યું નહતું. આ વખતે જીજ્ઞેશ મેવાણી સહિતના કોંગ્રેસના યુવા નેતા અને કાર્યકરોએ રાજકોટ બંધના એલાનને સફળ બનાવવા કમર કસી હતી. જીજ્ઞેશ મેવાણીએ અહીંના તંત્રીઓ, પત્રકારો, વેપારીઓ, અધિકારીઓ સિવાય લાખો લોકોને મળીને રાજકોટ બંધ રાખવા પાછળના કારણ અને મહત્વ જણાવ્યા હતા. કોંગ્રેસનું આ એલાન સફળ ન બને તે માટે ભાજપે પણ સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી હતી પરંતુ આ વખતે જાગૃત નાગરિકોએ ભાજપના જાસામાં આવ્યા વિના કોંગ્રેસ બંધના એલાનને સામે ચાલીને સફળ બનાવ્યું છે. ચૂંટણી પૂર્વે આજનું રાજકોટ બંધ એ ભાજપની એક આડકતરી હાર જ છે અને જીજ્ઞેશ મેવાણીની નિષ્ઠાની, મહેનતની જીત છે.
365 દિવસમાંથી 366 દિવસ રોડરસ્તા, પેવરબ્લોક, ઉદ્દઘાટનની પ્રેસનોટ મોકલતા કોર્પોરેટર-ધારાસભ્યો મૌન છે, પંડિત દીનદયાળથી લઈ શ્યામાપ્રસાદ મુખર્જી સુધીના સંઘ-ભાજપના નેતાઓની જન્મ-મરણ કે લગ્ન-કૌમાર્યભંગની પાનાં ભરી-ભરી અખબારી યાદી મોકલતા ભાજપીયાઓએ TRPઅગ્નિકાંડમાં મૃત્યુ પામેલા તેમજ તેમના પરિવાર માટે સાંત્વનાના બે બોલ પણ કહ્યા કે લખી મોકલ્યા નથી
જીજ્ઞેશ મેવાણીએ રાજકોટવાસીઓને પડખે ઉભા રહી એક ખરા પ્રજાસેવકની ભૂમિકા ભજવી છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં મૃતકના પરિવારજનો એટલે જ આજે સત્યના પડખે રહી રાજકોટ બંધનું એલાન કોંગ્રેસનું હોવા છતાં સ્વયં બંધ પાળી રહી છે