1 લાખ કિ.મી.સુધી સાયકલ યાત્રા કરવાનું લક્ષ્ય: રાજકોટથી રાજસ્થાન, હરીયાણા જશે
ખાસ-ખબર સંવાદદાતા
મધ્ય પ્રદેશથી પ્રસ્થાન કરીને ભારત યાત્રા માટે નીકળેલા મેહુલ ભારતયાત્રી હાલ રાજકોટ પહોંચ્યા છે. મેહુલ ભારતયાત્રીએ ખાસ ખબર કાર્યાલયની મુલાકાત લઈ તેમની સાયકલ યાત્રા વિશે માહિતી આપી હતી. તા. 21 જૂન, 2021 આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મધ્ય પ્રદેશના નર્મદાપુરમથી ભારત ભ્રમણ સાયકલ યાત્રાની શરૂઆત કરી હતી.
જે સાયકલ યાત્રા મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને ગુજરાતના પ્રમુખ તીર્થ સ્થળો પર ફરી રાજકોટ આવી પહોંચી છે. જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ યુવાને ભારત સાયકલ યાત્રા દરમ્યાન લોકોને જાગૃત કરવાનું, ભારતીય સંસ્કૃતિની જાણકારી લેવાનું તેમજ સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓને યોગ વિષે જાગૃત કરવાનું કામ હાથ ધર્યું છે. મેહુલ ભારતયાત્રી જે ભારત યાત્રા પર નીકળેલ છે, જેમનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ, યોગ અને ભારતદેશનાં લોકો નિરોગી અને સ્વસ્થ રહે અને વધારેમાં વધારે યોગ નો પ્રચાર થાય તે માટે આ યુવાને સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. આ તકે સાયકલ યાત્રી મેહુલ ભારતયાત્રીના જણાવ્યા મુજબ, અંદાજે અત્યારસુધીમાં 18,500 કી.મી. સાઇકલ યાત્રા પૂર્ણ કરી છે અને 1 લાખ કિ.મી. યાત્રા કરવાનું લક્ષ્ય છે. મેહુલ ભારતયાત્રીને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી સહિત 6 ભાષાનું જ્ઞાન ધરાવે છે. તેમણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે.
કોણ છે મેહુલ ભારતયાત્રી
મૂળ જુનાગઢ જિલ્લાના મેંદરડાના સમઢીયાળાનો વતની, હાલ મધ્યપ્રદેશના નર્મદાપુરમ જિલ્લાના બંખેડી તાલુકાના પલીયા પીપરીયા ગામનો રહીશ મેહુલ લાખાણી ભારતીય સંસ્કૃતિ, યોગનો પ્રચાર, ભારત દેશના લોકોના સ્વાસ્થ્ય નીરોગી રહે, વધારેમાં વધારે યોગનો પ્રચાર થાય તેવા હેતુ સાથે યુવાને સાઇકલ યાત્રાનું આયોજન કર્યું હતું.
1 લાખ કિ.મી.ની સાયકલ યાત્રા થશે
મેહુલ ભારતયાત્રી રાજકોટથી કચ્છ, રાજસ્થાન, હરીયાણા, દિલ્હી, જમ્મુ કશ્મીર થઈને નોર્થ ઈસ્ટના રાજ્યોની મુલાકાત લેશે. ત્યારબાદ સાઉથ ઈન્ડિયા પણ જશે આમ ભારત યાત્રા કરતા કુલ એક લાખ કિ.મી.ની યાત્રા થશે. અંદાજે 3 વર્ષ જેટલો સમય લાગશે.