કપાસ-મગફળીના પાકને ભારે નુકસાન:વરસાદી માહોલથી મહત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો; ખેત મજૂરોને આર્થિક નુકસાન થવાની ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે રવિવારે સવારથી જ મેઘરાજાની મહેર જોવા મળી હતી. સાંજના 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં અડધાથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
ભાવનગર શહેરમાં ગઈકાલે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાંજ સુધીમાં શહેરમાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો.
શહેરો ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ દિવસભર વરસાદ પડ્યો હતો. જિલ્લાના મહુવામાં અને જેસર પંથકમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં ઊભા કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતો અને ખેત મજૂરોને મોટું આર્થિક નુકસાની થવા પામી છે.
ગઈકાલે રવિવારે ભાવનગર શહેરમાં સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદની વિગત (મી.મી.માં) આ મુજબ છે: મહુવા (45), સિહોર (29), ઘોઘા (25), ભાવનગર શહેર (22), ગારીયાધાર (20), પાલીતાણા (17), જેસર (17), ઉમરાળા (11) અને તળાજા (10). વલભીપુરમાં 8 મી.મી. વરસાદ નોંધાયો હતો.
વરસાદી માહોલને પગલે શહેરના મહત્તમ તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ઘટીને 29.5 ડિગ્રી નોંધાયું હતું.
જ્યારે ગઈકાલનું લઘુતમ તાપમાન 25.9 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98% અને પવનની ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.



