ભુજ, ધ્રોલ, માણાવદર, જેતપુર, ભાવનગર, રાણાવાવ, લાઠી, બગસરામાં સતત પાંચમા દિવસે વરસાદનું જોર યથાવત
ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર આવતા 11 જળાશયોમાં નવાં નીરની આવક નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા સતત વરસાદ યથાવત રહ્યો હતો. તેમાં ગઈકાલે માણાવદર, જેતપુર, ભૂજ, ભાવનગર, રાણાવાવ, બગસરા, કોટડાસાંગાણી સહિતના તાલુકાઓમાં અડધાથી અઢી ઈંચ વધુવરસાદ વરસી જતાં નદીઓમાં પુર આવ્યું હતું. જેના કારણે 14 જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. સતત પડી રહેલા વરસાદના પગલે વાવેતર થયે મોલાતને જીવંતદાન મળતા ખેડુતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક તાલુકાઓમાં ગઈકાલે અડધાથી અઢી ઈંચ વરસાદ પડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.કચ્છના ભૂજમાં 40 મીમી, નખત્રાણા 39 મીમી, મહુવા 39, ગઢડા 35, ભાવનગર 33, જેતપુર 31, માંડવી 31, માણાવદર 25, ધ્રોલ 20, સિંહોર 20, ખંભાળિયા 19, મેંદરડા 18, બોટાદ 17, લાઠી 15, જોડિયા 13, લોધીકા 12, કોડીનાર 12, પાલીતાણા 11, કુતિયાણા 10, ધોરાજી 10, રાણાવાવ 10, તળાજા 9, રાજકોટ 9, પડધરી 9, જસદણ 9, સુત્રાપાડા 8, ગીરગઢડા 8, કાલાવડ 7, રાજુલા 7, તાલાલા 7, ભેસાણ 7, પોરબંદર 7, અંજાર 6, અને જૂનાગઢ સીટી તથા ગોંડલ શહેરમાં 5 મીમી વરસાદ નોંધાયો છે.
ગઈકાલે સવારથી મોટાભાગના તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક સ્થળે અનરાધાર ઝાપટા રૂૂપી વરસાદ વરસ્યો હતો. જેના પગલે પ્રથમ વરસાદે વાવણી થઈ ગયેલ હોય ઉભા પાકને વરસાદના કારણે જીવંતદાન મળ્યું હતું. તેમજ જળાશયોમાં નવાનીરની આવક થતાં આજુબાજુના વિસ્તારોમાં બોર અને કુવાના તળ ઉંચા આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
- Advertisement -
ભાવનગર શહેરમાં ગઈકાલે બપોરે ધોધમાર સવા ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે જિલ્લાના ઘોઘા, મહુવા અને શિહોર પંથકમાં એક -એક ઈંચ વરસાદ પડ્યો છે. પાલીતાણા, ઉમરાળા અને તળાજામાં અડધો -અડધો ઈંચ વરસાદ પડ્યો છે. ગોહિલવાડ પંથકમાં સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેરમાં ઝરમર ઝરમર વરસાદ આવ્યા બાદ બપોરે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સવા ઇંચ થી વધુ વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે જિલ્લા ના ઘોઘા , મહુવા અને શિહોર પંથકમાં પણ સારો વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વલભીપુર 27, ઉમરાળા 14, ભાવનગર શહેર 33, ઘોઘા 26, સિહોર 20, ગારીયાધાર 2, પાલીતાણા 11, તળાજા 9, મહુવા 26 અને જેસરમાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે. ખંભાળિયા પંથકમાં અવિરત રીતે જારી રહેલા બફારા અને વરસાદી વાતાવરણ બાદ ગઈકાલે ગુરુવારે બપોરે પુન: ધીમા તથા ભારે ઝાપટા રૂૂૂપે વરસાદ વરસ્યો હતો. જેમાં બપોરે 4 વાગ્યા સુધી માં 19 મી.મી. પાણી વરસી જતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ 9 અને દ્વારકામાં 2 મી.મી. વરસાદ વરસી જવા પામ્યો છે. ખંભાળિયા તાલુકામાં જિલ્લાનો સૌથી વધુ 390 મી.મી. વરસાદ થયો છે. જ્યારે ભાણવડ 108, કલ્યાણપુર 67 અને દ્વારકા તાલુકામાં કુલ 46 મી.મી. વરસાદ નોંધાયો છે.
ખંભાળિયાના કેશોદમાં વીજળી ત્રાટકતા શ્રમિકનું મોત
ગઈકાલે ગુરુવારે બપોરે વીજળીના ગડગડાટ સાથે વરસેલા વરસાદના કારણે ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ તમે રહેતા અને કેશોદ ગામના વાડી વિસ્તારમાં કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની એવા પરપ્રાંતીય શ્રમિક બલ્લુભાઈ મેહતાબ અલાવા નામના 52 વર્ષના આધેડના વાંસાના ભાગે આકાશી વિજ ત્રાટકતા તેમને ઈમરજન્સી 108 ના સ્ટાફે સી.પી.આર. સારવાર આપી, અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જે અંગેની જાણ મૃતકના પત્ની રૂખડીબેન અલાવાએ અહીં પોલીસને કરી છે. આ ઉપરાંત અન્ય એક ગ્રામ્ય વિસ્તારમાં આકાશી વીજ ત્રાટકતા કેટલાક પશુઓના પણ મોત નિપજ્યા હતા. આજરોજ સવારથી રાબેતા મુજબ વરાપ નીકળ્યો હતો અને ગરમી સાથે સૂર્યનારાયણના દર્શન પણ થયા હતા.