સવારથી લોખંડી બંદોબસ્ત સાથે કામગીરી, 7 મકાન-બે ધાર્મિક દબાણ તોડી પડાયા: 1400થી વધુ દબાણો પર તવાઈ
વક્ફ બોર્ડમાં ગેરકાયદે નોંધાયેલા દબાણો દુર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગાંધીનગરમાં વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષોથી ઉભા થયેલા ધાર્મિક સહિતના નાના-મોટા દબાણો તોડવાની કામગારી હાથ ધરી છે. આજે (17 નવેમ્બર) પરોઢિયે દબાણ ટીમ જેસીબી સહિતના વાહનોના કાફલા સાથે સેકટર 30 સર્કલના દબાણો દૂર કરવા પહોંચી હતી. એ પહેલા પોલીસનું સુરક્ષા કવચ બનાવી આ વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. બાદમાં દબાણ ટીમોએ અહીંના દબાણો તોડી પાડવાની કાર્યવાહી આરંભી હતી. આ વિસ્તારના સાતથી વધુ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા છે.
શહેરમાં થેયેલા 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવવામાં આવશે. આ અંગે ગાંધીનગર ડિવિઝન ડીવાયએસપી ડી.ટી. ગોહિલે કહ્યુ કે, સવારથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અહીં સાતેક મકાનો અને બે ધાર્મિક દબાણો હતા, જે દૂર કરી દેવામાં આવ્યો છે. દિવસ દરમિયાન અન્ય સ્થળોએ દબાણ દૂર કરવામાં આવશે, ત્યારે પણ પોલીસ તૈનાત રહેશે. વહીવટીતંત્રના જણાવ્યાં મુજબ, સેક્ટર 30 વિસ્તારમાં સરકારી જમીન પર મોટા અને નાના ધાર્મિક ગેરકાયદેસર દબાણો દૂર કર્યા છે, જે વકફ બોર્ડમાં ગેરકાયદેસર રીતે નોંધાયેલા હતા. આ જમીનમાં 1,500થી વધુ વખત ફેરફાર કરવામાં આવ્યા હતા, જે સરકારી જમીનને ગેરકાયદેસર રીતે કાયદેસર બનાવવા લાંબા સમયથી પેરવી ચાલતી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ તમામ હકીકતોની સંપૂર્ણ તપાસ કર્યા પછી, વહીવટીતંત્રે કાનૂની પ્રક્રિયાને અનુસરીને આ જમીનને દબાણ મુક્ત કરી છે.



