ચંડોળા, ઈસનપુર પછી હવે અમદાવાદના વટવા તળાવ પાસે કાર્યવાહી
3 કલાકમાં 450 દબાણ પર બુલડોઝર ફર્યું
- Advertisement -
ધાર્મિક સ્થાન સિવાયના દબાણો હટાવાયા: મકાન તૂટતાં મહિલાઓ રડી પડી, વિસ્થાપિત પરિવારોને આશ્રયગૃહમાં ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલોપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 420 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 3 કલાકમાં એક મસ્જિદ અને બે મંદિર એમ કુલ ત્રણ ધાર્મિક સ્થાનો સિવાયના તમામ બાંધકામોને તોડી પાડ્યા હતા.
આજે વહેલી સવારથી કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી હતી. શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ-કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતા. 10 હિટાચી મશીન અને 5 ઉંઈઇ મશીન તેમજ શ્રમિકોની મદદથી આ કામગીરી કરાઈ હતી. સાથે જ વિસ્થાપિત પરિવારો માટે કોર્પોરેશને વૈક્લિપક વ્યવસ્થા કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક મસ્જિદ અને બે મંદિર એમ કુલ ત્રણ ધાર્મિક સ્થાનો સિવાયના તમામ બાંધકામોને તોડી પાડ્યા હતા. ફિરદૌસ મસ્જીદ, મહાદેવ મંદિર અને તળાવની અંદર આવેલા અન્ય એક નાના મંદિરને પણ તોડ્યું નહોતું.
ડિમોલિશન કામગીરી દરમિયાન ભરવાડ વાસ ગલી નંબર 4માં પોલીસનો મોટો કાફલો બોલાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. કેટલાક સ્થાનિકોએ મકાનો ખાલી કર્યા નહોતા. જેના કારણે કોર્પોરેશને દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરવી પડી હતી. બાદમાં કોર્પોરેશને પોલીસને સાથે રાખીને મકાનો ખાલી કરાવ્યા હતા. તો કેટલાકે મકાનો ખાલી ન કરતા પોલીસે મકાનો ખાલી કરાવ્યા હતા. આ દરમિયાન એક મહિલા રડી પડી હતી.
કોર્પોરેશન-પોલીસે માનવતા દાખવી
ડિમોલિશન થઈ રહ્યું હતું તે દરમિયાન ત્યાં પાસે આવેલી ગોપાલપાર્ક સોસાયટીમાં એક ભરવાડ સમાજનો સીમંતોન્નયનનો પ્રસંગ હતો. જેથી દબાણવાળી જગ્યામાં મંડપ બાંધી ત્યાં રસોડું કરાયું હતું. ડિમોલિશન શરૂ થતાં સ્થાનિકોએ બપોર સુધીનો જમણવારનો પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી રસોડું કરાયું હતું ત્યાં ડિમોલિશન બપોર બાદ કરવા વિનંતી કરાઈ હતી. જેથી સ્થાનિક રહેવાસીનો પ્રસંગ ન બગડે તેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા તે જગ્યામાં બપોર બાદ ડિમોલિશન કરવાનો નિર્ણય લેવાયો હતો.



