બ્રિજ લાડુ, મોદક, ચોકલેટ અને ફરસાણ સહિતના નમૂના લેબોરેટરીમાં મોકલાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
જિલ્લામાં નાગરિકોને શુદ્ધ અને ભેળસેળમુક્ત ખાદ્યચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સપ્ટેમ્બર માસ દરમિયાન જુદા જુદા સ્થળોએ દરોડા પાડીને ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરીમાં કુલ 68 ખાદ્યચીજવસ્તુઓના સેમ્પલો લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તા. 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન ફૂડ ઇન્સ્પેકટર પી.બી. સાવલીયા અને એસ. જે. પ્રજાપતિ સહિતની ટીમે સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવેલી દુકાનો અને એકમોમાં તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતી ખાદ્ય વસ્તુઓના 23 રેગ્યુલર સેમ્પલ અને 45 સર્વેલન્સ સેમ્પલ સહિત કુલ 68 નમૂના લેવામાં આવ્યા હતા.
તપાસ માટે લેવાયેલા મુખ્ય રેગ્યુલર સેમ્પલોમાં બ્રીજલાડુ (લુઝ), મોદક, મોતીચુર લાડુ, ખુજર પાક સ્વીટ, સેવ ફરસાણ, મિક્ષ ભજીયા, ક્રિષ્ના ગોલ્ડન બેક બ્રેડ, ક્રિષ્ના ઓવન ફ્રેશ સ્પે. બટર ખારી, સ્વીટ ખોઆ, મોહનથાળ, થાબડી પેડા, બરફી સ્વીટ જેવી મીઠાઈઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તૈયાર ખોરાકમાં ટોમેટો ગ્રેવી, ચણા સબ્જી તેમજ કેડબરી ડેરીમિલ્ક સિલ્ક ચોકલેટ, શક્તિ એસ.માર્ટ જમ્બો કેશ્યુ, છાશ, મલાઈ પનીર અને જલેબી-ફાફડા ગાંઠિયા ફરસાણના નમૂનાઓ પણ લેવાયા હતા.
આ તમામ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ નિયમ ભંગ કરનારા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



