નશાના સાધનો પર જૂનાગઢ જિલ્લા પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક
પાનના ગલ્લે પ્રતિબંધિત ‘ગોગો કોન’ અને સ્મોકિંગ સાધનો જપ્ત કર્યા
- Advertisement -
યુવાધનને બચાવવા જૂનાગઢ પોલીસની ઝુંબેશ ચાલુ રહશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા એક ઐતિહાસિક અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ચરસ અને ગાંજા જેવા માદક પદાર્થોના સેવન માટે વપરાતી સહાયક વસ્તુઓ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ જાહેરનામાના અમલીકરણ માટે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અનુસાર જિલ્લા પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે તપાસ અભિયાન હાથ ધરીને શહેરના પાનના ગલ્લા અને મેડિકલ સ્ટોર્સ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં ડ્રગ્સ અને માદક પદાર્થોના સેવનની પદ્ધતિમાં ફેરફાર જોવા મળ્યો હતો. ખાસ કરીને ’રોલિંગ પેપર’ અને તૈયાર ’સ્મોકિંગ કોન’નો ઉપયોગ ચરસ-ગાંજાના નશા માટે વ્યાપક પ્રમાણમાં થતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને ગુજરાત સરકારના ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને નીચે મુજબની વસ્તુઓના વેચાણ અને સંગ્રહ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આ આદેશને પગલે જૂનાગઢ જીલ્લા પોલીસ વડાની સીધી સૂચનાથી શહેર અને ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને સમગ્ર જૂનાગઢ પોલીસનું ’મેગા ચેકિંગ’ અભિયાન અંતર્ગત વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા 100 થી વધુ પાનના ગલ્લા અને શંકાસ્પદ મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએથી પ્રતિબંધિત સ્મોકિંગ કોન, ચિલમ અને રોલિંગ પેપરના પેકેટો મળી આવ્યા હતા, જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાના ભંગ બદલ અને પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાનું જણાતા જૂનાગઢ પોલીસે કુલ 6 ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચેકિંગ અભિયાન દરમિયાન પોલીસે માત્ર કાર્યવાહી જ નથી કરી, પરંતુ વેપારીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કર્યો છે. પોલીસ અધિકારીઓએ પાનના ગલ્લાના સંચાલકો અને મેડિકલ સ્ટોરના માલિકોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “જો ભવિષ્યમાં કોઈપણ દુકાનદાર કે વેપારી જાણીબૂજીને આ પ્રકારના ’નશાના સાધનો’નું વેચાણ કરશે, તો તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ અથવા જાહેરનામા ભંગ હેઠળ કડક ગુનો નોંધી જેલહવાલે કરવામાં આવશે.” જૂનાગઢ પોલીસના આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને નશાની ગર્તામાં ધકેલાતા બચાવવાનો છે. ઘણીવાર યુવાનો સરળતાથી ઉપલબ્ધ આવા સાધનોને કારણે નશા તરફ વળતા હોય છે. સરકારના આ પ્રતિબંધથી નશાના પદાર્થોના ઉપયોગમાં મોટો અવરોધ ઊભો થશે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે જો તેમની આસપાસ ક્યાંય પણ આવા પ્રતિબંધિત પદાર્થો કે સાધનોનું વેચાણ થતું જણાય, તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને જૂનાગઢને ’નશામુક્ત’ બનાવવા પોલીસ મક્કમ છે.
- Advertisement -
નશાના સાધનો વેચતા 6 શખ્સો સામે ગુનો દાખલ
1, મયુર રાજુભાઈ ગંગવાણી, એવન પાન બીડી, કાળવા ચોક જૂનાગઢ
2, સાહીલ ફારૂકભાઈ મહીડા ઘાંચી, રૂદ્ર ડીલક્ષ પાન, સરદારબાગ જૂનાગઢ
3, મંથન દીલીપકુમાર વ્યાસ, ચોબારી રોડ જૂનાગઢ
4, રહીમ ઉર્ફે રહીશ દિલાવરખાન બેલીમ, સાગર પાન, ટોરેન્ટ ગેસ પંપ પાસે જૂનાગઢ
5, ત્રીલોકભાઈ શરદભાઈ સોલંકી, શુભમ ડીલક્ષ પાન, વાડલા ફાટક પાસે વંથલી
6, મોહમદ કમાલભાઇ જેઠવા, રજવાડી પાન, વાડલા ફાટક, વંથલી
ક્યા-ક્યા નશાના સેવન માટે વપરાતા સાધનો ઝડપાયા
1, રોલિંગ પેપર: નશીલા પદાર્થો ભરીને સિગારેટ બનાવવા માટે વપરાતા કાગળ
2, ગોગો સ્મોકિંગ કોન: તૈયાર ખાલી કોન જેમાં નશો ભરી શકાય છે.
3, પરફેક્ટ રોલ: નશાના સેવનમાં સરળતા કરી આપતા સાધનો



