ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં અગાઉ આંગડિયા પેઢીના પાર્સલની ચોરી તથા લૂંટની ઘટનાઓ બની હતી જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ સક્રિય બની છે અને સાથે સાથે આંગડિયા પેઢીના સંચાલકોને પણ જાગૃત કરવાનું પોલીસે બીડું ઉપાડ્યું છે ત્યારે મોરબીના શહેર વિસ્તારમાં મિલકત વિરુદ્ધના ગુના બનતા અટકાવવા માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મદદનીશ પોલીસ અધિક્ષકે આંગડિયા પેઢીના સંચાલકો સાથે મિટિંગ યોજી હતી અને સુરક્ષા સંબંધિત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
મોરબી શહેરમાં મિલકત વિરુદ્ધના ગુના થતા અટકાવવા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આંગડિયા પેઢીના સંચાલકો સાથે મીટીંગ કરવામાં આવી હતી જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક અતુલ બંસલ દ્વારા આંગડિયા પેઢીના સંચાલકોને પોતાના ધંધાકીય આર્થિક વ્યવહારો સલામત રીતે કરવા તથા આ બાબતની સાવચેતીઓ જેવી કે આંગડિયા પેઢીના કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન કરાવવા, સિક્યુરિટી ગાર્ડ રાખવા, રોડ સુધી સીસીટીવી કેમેરા રાખવા તેમજ કોઈપણ બનાવ બને ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું અને સલામત રીતે આર્થિક વ્યવહારો થાય એ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ મયંક પંડ્યા દ્વારા સર્વેને પોતાના મોબાઈલ નંબર તથા પોલીસ સ્ટેશનના નંબર આપી આવા બનાવ બને ત્યારે તાત્કાલિક જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.